Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સુરેન્દ્રનગરના વચ્છરાજ બેટમાં ૪૭૦૦ ગૌમાતાની સેવાથી કેન્દ્રીય ટીમ પ્રભાવિત

અપૂરતા વરસાદ બાદ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતી ટીમ

વઢવાણ તા. ૧૭ : રાજયમાં અપુરતા વરસાદને લીધે ઉભી થયેલ પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે કેન્દ્રીય મંત્રાલયના ૧૦ સભ્યોની ટીમ ગુજરાતની મુલાકાતે તા.૧૪ ડિસેમ્બર થી તા.૧૮ ડિસેમ્બર સુધી આવીઙ્ગ છે. રાજય સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલ વિસ્તારની જાત માહિતી મેળવવા માટે કેન્દ્રની ત્રણ સભ્યોની ટીમ આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવેલ જેમાં શ્રી ડી.એસ.ચસ્કરના વડપણ હેઠળ ડો.પ્રદિપકુમાર તથા દિનાનાથની ટીમે પાટડી તથા ધ્રાંગધ્રા તાલુકાના અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

આ ટીમે પાટડી તાલુકાના ધામા, ફતેપુર તેમજ નાના રણ વચ્છરાજ બેટ ખાતે આવેલ ગૌશાળાની મુલાકાત લઈ ૪૭૦૦ જેટલી ગાયોની કરવામાં આવતી માવજતથી કેન્દ્રીય ટીમના સભ્યો પ્રભાવિત થયા હતા.રણમાં મીઠી વિરડી સમાન આ ગૌશાળામાં ઘાસચારો, ગાયોને પીવાનું પાણી, ગાયોની કરવામાં આવતી માવજત વિગેરે માહિતી મેળવી હતી.

કલેકટરશ્રી કે.રાજેશે સુરેન્દ્રનગર જિલ્લામાં અછતનો મકકમતાથી પ્રતિકાર કરવા લીધેલ પગલાની વિગતો સભ્યોને આપી હતે અને ટીમના સભ્યોએ વિગતોથી સંતોષ વ્યકત કર્યો હતો. અને વધારે સહાય મળે તેવા પ્રયત્નો કરવા ખાતરી આપી હતી.

આ ત્રણ સભ્યોની ટીમે જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ ગામના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર, જેગડવા, રાજસીતાપુર ગામના ખેડુતો પશુપાલકો સાથે ઘાસચારા, કેટલ કેમ્પ, સિંચાઈ માટે નર્મદાના પાણી લોકોને પીવાનું પાણી, પાક વિમો વિગેરેની માહિતી મેળવી હતી અને ગ્રામજનોને ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવા અને નર્મદાના પાણીનો કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. ગ્રામજનો દ્વારા પણ પશુઓને પુરતા પ્રમાણમાં ઘાસચારો, પીવાનું અને સિંચાઈ માટે નર્મદાનું પાણી પુરૂ પાડવા માંગણી કરાઈ હતી.આ ટીમની સાથેઙ્ગ જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(3:48 pm IST)