Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

વીરપુર (જલારામ)માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એસ.ટી.બસના વિદ્યાર્થી પાસ કઢાવવા જેતપુર ગોંડલના ધક્કા..

વીરપુર (જલારામ)તા.૧૭: ગામે અભ્યાસાર્થે એસટી બસ દ્વારા અપડાઉન કરતી ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓનો બસનો પાસ છાપતું પ્રિન્ટર બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી બંધ અવસ્થામાં હોવાથી વિદ્યાર્થીનીઓને પાસ કઢાવવા માટે જેતપુર કે ગોંડલ સુધી ધક્કો ખાવો પડે છે.

રાજય સરકાર દ્વારા 'બેટી બચાવ બેટી પઢાવ' સૂત્ર વહેતું કર્યું છે અને કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળી રહે અને કોઈ માં બાપ તેમની દીકરી બહારગામ અભ્યાસ કરતી હોય તો અપડાઉનનો ખર્ચ પોસાતો ન હોવાને કારણે અભ્યાસ અધૂરો ન છોડાવી દયે તે માટે વિદ્યાર્થીનીઓને એસટી બસમાં નિશુલ્ક મુસાફરીની સુવિધા આપી છે અને આ માટે વિદ્યાર્થીનીઓને જે તે એસટી ડેપોમાંથી વિદ્યાર્થી પાસ કઢાવવો જરૂરી છે પરંતુ વીરપુર જલારામ ગામની સરકારી માધ્યમિક સ્કૂલમાં આજુબાજુના ગામોમાંથી લગભગ ૩૦ થી ૪૦ વિદ્યાર્થીનીઓ અભ્યાસાર્થે અપડાઉન કરે છે આ વિદ્યાર્થીનીઓને એસટી બસમાં અપડાઉન માટે જરૂરી એવો વિદ્યાર્થી પાસની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અપડાઉન માટે નવો પાસ કઢાવવો જરૂરી હોય વિદ્યાર્થીનીઓ આ માટે વીરપુર બસ સ્ટેન્ડે પાસ કઢાવવા માટે જાય છે તો ત્યાં પ્રિન્ટર મશીન ખરાબ હોવાથી અહીં પાસ નહીં નીકળે પાસ કઢાવવો હોય તો જેતપુર કે ગોંડલ જવું પડશે તેવો જવાબ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીનીઓ તેમજ સ્કૂલના સંચાલકો દ્વારા એસટી નિગમ દ્વારા વીરપુર બસ સ્ટેન્ડમાં તાત્કાલીક પાસ કાઢવાની સુવિધા ઉભી કરે તેવી માંગ કરી હતી.(૨૩.૨)

(11:53 am IST)