Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

પોરબંદર પાલિકા દ્વારા વિતરણ કરાતું પાણી પીવાલાયક નહીં: લેબોરેટરી ટેસ્ટમાં અનફીટ પાણીનો રિપોર્ટ

પોરબંદર તા.૧૭: મેમણવાડા સહિતના અન્ય વિસ્તારના લોકો ગટર મિશ્રિત પાણી પીવે છે અને નગરપાલીકાએ પાણી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા અનફીટ પાણીનો રીપોર્ટ આવ્યાનું  કોંગ્રેસ આગેવાનોએ કરી છે.

જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કારોબારી સભ્ય સામતભાઇ ઓડેદરા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલ ઠકરાર અને નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા જીતુભાઇ આગઠ અને વોર્ડ નં.૯ના સભ્ય નિકીતાબેન ઢાંકેચા રામભાઇ મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા લઘુમતિ સેલના પ્રમુખ ફારૂકભાઇ શેરવાનીએ  નિવેદનમાં જણાવ્યું છે કે શહેરમાં અર્જુનભાઇ મોઢવાડીયાએ તત્કાલીન કેન્દ્રની કોંગ્રેસ સરકાર પાસેથી પોરબંદર શહેરમાં પીવાના પાણીની પાઇપલાઇન, ભુર્ગભ ગટર, રોડ, રસ્તોઓ,બગીચાઓ, ગરીબોને રહેવા માટેના ૨૪૪૦ આવાસો સહિતની યોજના માટે ૮૭૨ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મંજુર કરવામાં આવી હતી. શહેરની પાણીની નવી પાઇપ લાઇન નાખવાનું કામ અને ભુર્ગભ ગટરનું કામ તત્કાલીન પાણી પુરવઠા મંત્રી પાણી વિભાગ હેઠળ ઉચા ભાવના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા અને તેના વિભાગ હેઠળ પીવાના પાઇપ લાઇન અને ભુર્ગભ ગટરનું કામ કરવામાં આવ્યુ હતું.

પીવાના પાણીની લાઇન અને ભુર્ગભ ગટરના જોઇન્ટ નબળા રાખવામાં આવ્યા હતા અને આ નબળી કામગીરી ઢાંકવા માટે રાજકીય દબાણથી ઓબજેકશન સર્ટી આપીને ઉપર રોડના કામ કરવા દીધા જેથી કરીને ભુર્ગભ ગટરના પાણી પીવાના પાણીની પાઇપ લાઇન અને લોકલ બોરમાં ભળી ગયા આ બોરનું પાણી અને પીવાના પાણીના પાઇપ લાઇનનુ ગંદુ પાણી પોરબંદરની પ્રજા છેલ્લા એક થી દોઢ વર્ષથી પીવે છે. અને જેને કારણે પોરબંદરની સરકારી હોસ્પીટલમાં રેકર્ડબ્રેક દર્દીઓ આવી રહ્યા છે પ્રાઇવેટ હોસ્પીટલોમાં પણ દર્દીઓ ઉભરાઇ છે.

આ પ્રશ્ન માટે મુખ્યમંત્રી સ્વાગત સહ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં છેલ્લા ૧ વર્ષથી  રામદેવભાઇ મોઢવાડીયા લડી રહ્યા છે સતત રજુઆતોને કારણે પાણી પુરવઠા બોર્ડને સહયોગ હોસ્પીટલ સામેનો રોડ તોડીને ત્યાંથી મોટે પાયે લીકેજ થઇ રહેલ પાણીની પાઇપ લાઇન રિપેર કરવાની ફરજ પડી છે. પરંતુ હજુ ભુર્ગભ ગટરની પાઇપ લાઇન રીપેર કરતા નથી કારણ કે તેના થી મેઇન રોડ તોડવા પડે તેમ છે. પરંતુ મેઇન રોડ તોડીને પાઇપ લાઇનો રીપેર કરવામાં નહી આવે તો અત્યારે દુષ્કાળના સમયમાં ૩૦ થી ૪૦ ટકા પાણી ભુર્ગભ ગટરમાં જતુ રહેશે અને પોરબંદરની જનતાને ગટર મિશ્રિત પાણી પીવાની ફરજ પડશે. સ્વાગત સહ ફરીયાદ નિવારણના પેન્ડીંગ પ્રશ્નના જવાબમાં નગર પાલીકાએ કબુલ કર્યુ છે કે મેમણવાડા, ઠકકર પ્લોટ, સહિતના એરીયાના પીવાના પાણીના સેમ્પલ લેબોરેટરીમાં નગરપાલીકાએ મોકલતા પાણી પીવા લાયક ન હોવાનો સ્ફોટક રીપોર્ટ આવેલ છે. અને આ બાબતે કાર્યવાહી કરવા માટે નગર પાલીકાએ પાણી પુરવઠા બોર્ડને લેખિત જાણ કરી છે.(૧૭.૨)

(11:52 am IST)