Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભારતીય નૌસેના જામનગર - વાલસુરામાં વિદ્યુત વિશેષજ્ઞતા ટ્રેનિંગની પાસિંગ આઉટ પરેડ યોજાઇ

તાલીમ પ્રાપ્ત સૈનિકોના પ્રાપ્ત જ્ઞાનને રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરવાની અભ્યર્થના વ્યકત કરતા રાજ્યપાલ

(મુકુંદ બદિયાણી દ્વારા)  જામનગર તા. ૧૭  આજરોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભારતીય નૌસેના વાલસુરા ખાતે વિદ્યુત વિશેષજ્ઞતા પાઠ્યક્રમ O175નો દીક્ષાંત સમારોહ “પાસિંગ આઉટ પરેડ” કાર્યક્રમ યોજાયો હતો. આ પરેડ કાર્યક્રમમાં ૩૬ અધિકારીઓને વિદ્યુતીય વિશેષજ્ઞતા પાઠ્યક્રમની ૯૪ સપ્તાહની પ્રોફેશનલ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ એમટેકની ઉપાધિ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં ભારતીય નૌસેનાના ૩૦ અધિકારી તેમજ મિત્ર દેશો બાંગલાદેશ, મ્યાનમાર, ઘાના, મોરેશિયસના છ આંતરરાષ્ટ્રીય અધિકારીઓ પણ સામેલ હતા. સમારોહમાં નૌસેનાના ૫૦ જવાનો દ્વારા રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું હતું. રાજયપાલશ્રીએ વોર મેમોરિયલ ખાતે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. 

આ તકે રાજ્યપાલશ્રીએ પરેડમાં સંમિલિત જવાનોને ઉત્કૃષ્ટ અભ્યાસ માટે તેમજ તેમની કારકિર્દીમાં આ મહત્વપૂર્ણ ઉપાધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ રાજ્યપાલશ્રીએ ટ્રેનિંગ પ્રાપ્ત કરનાર સર્વે અધિકારીઓને પોતાના જ્ઞાનને રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરવા, સત્યના માર્ગ પર ચાલવા તેમજ ધર્મના આચરણ સાથે પોતાની જવાબદારીને સમર્પણ ભાવનાથી નિભાવવાની અભ્યર્થના વ્યક્ત કરી હતી.

 રાજ્યપાલશ્રીએ નૌસેના વાલસુરાના સૈનાનીઓની અદમ્ય રાષ્ટ્રભાવનાની પ્રશંસા કરતાં covid-19 મહામારીના સમયમાં પણ પ્રતિબંધો સાથે શિક્ષણ પ્રાપ્ત કરનાર સર્વે તાલીમાર્થીઓને સર્વોત્તમ વ્યાવસાયિક કૌશલ્ય અને નેતૃત્વ વિશેષતાઓને દેશસેવામાં ન્યોછાવર કરવા તથા શૌર્ય, વીરતા, સાહસ દ્વારા આ જવાનોને કર્મયોગી બનવા અને પ્રાપ્ત જ્ઞાનને રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરવા રાજ્યપાલશ્રીએ સૈનિકોને હાકલ કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ શિક્ષા, ખેલ અને ઈતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અધિકારીઓને પુસ્તક તેમજ ટ્રોફી દ્વારા સન્માનિત કર્યા હતા.

આ સમારોહમાં કોમોડોર ગૌતમ મારવાહ, કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, પ્રાંત અધિકારીશ્રી આસ્થા ડાંગર વગેરે અધિકારીઓ તેમજ નૌસેના વાલસુરાના અધિકારીગણ, કર્મચારીગણ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(2:26 pm IST)