Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

સુવાગઢ ગામના એક ખેડૂતે તેના પુત્રો સાથે મળીને ખેતીની પોણા છ વીઘા જમીનમાં ગાંજાનું વાવેતર કર્યુ , ખેડૂત સહિત 3 પુત્રોની ધરપકડ

લાઠી:  તાલુકાના સુવાગઢ ગામના એક ખેડૂતે તેના પુત્રો સાથે મળીને ખેતીની પોણા છ વીઘા જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જેને ગઇકાલે અમરેલી પોલીસે ઝડપી પાડયું હતું. પોલીસે રુ. 89.55 લાખ રુપિયાનો ગાંજો તેમજ તેના બિજ સાથે ખેડૂત અને તેના ત્રણ દીકરાઓની ધરપકડ કરી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, અમરેલી એસ.એ.જી. ટીમને મળેલી બાતમીનાં આધારે બે દિવસ પહેલાં દામનગર તાબાના સુવાગઢની સીમમાં આવેલા લખમણભાઇ રાણાભાઇ ગોલેતર (રે. જલાલપુર, તા. ગઢડા)ના ખેતરમાં દરોડા પાડ્યા હતા. જેમાં તપાસ કરવામાં આવતા પાંચ વીઘા અને 14 વસા જેટલા ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોણા છ વીઘામાં થયેલા ગાંજાના છોડને કાપવામાં પોલીસને બે દિવસનો સમય લાગ્યો હતો. અમરેલી પોલીસને ટ્વિટર હેન્ડલ પર આ જમીનનો વીડિયો પણ મુક્યો હતો.

ગાંજાના આ છોડ ઘણા મોટા પણ થઇ ગયા હતાં અને તેનું કટીંગ કરી બજારમાં વેચાણ માટે જાય તે પહેલા જીલ્લા પોલીસને બાતમી મળી હતી. જેને પગલે પોલીસ વડા નિર્લિપ્ત રાયની સુચનાથી એસઓજીએ દરોડો પાડી ગાંઝો કબજે કર્યો હતો. પિતા - પુત્રો સામે દામનગર પોલીસમાં એન.ડી.પી.એસ. એકટ સહિતની કેફી પદાર્થની કલમો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(11:40 am IST)