Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જામનગરના ભુમાફીયા જયેશ પટેલના ૮ સાગરીતોના રિમાન્ડની તજવીજ

રાજકોટ રૂરલ કોર્ટમાં રજુઃ ગુજસીટોક હેઠળ ઝડપાયેલા શખ્સોના ઘર અને ઓફિસોમાંથી પુરાવા એકત્ર કરવા પોલીસ તપાસ

જામનગર : જામનગરમાંથી એલસીબી ખાતેથી આજે સવારે ગુજસી ટોક કલમ હેઠળ ગુન્હામાં અટક કરાયેલા ભુમાફિયા જયેશ પટેલ ગેંગના તમામ આરોપીઓને રાજકોટની ખાસ કોર્ટમાં રજૂ કરવા ચુસ્ત બંદોબસ્ત સાથે લઇ જવાયા હતા. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ : ગઈકાલે સાંજે –૪ વાગ્યે પત્રકાર પરીષદમાં રેન્જના આઈ.જી.પી. સંદીપસિંઘે અને જામનગર એસ.પી. ભદ્રન એ જામનગરના ભુમાફીયા જયેશ પટેલ અને તેના સાગરીતો ફરતે કાયદાનો ગાળીયો વધુ મજબુત કરવાના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધેલ છે. અને જેમાંથી આઠ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે. જેમાં જામનગરના અગ્રણી બિલ્ડર નીલેશ ટોલીયા, જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર અતુલ ભંડેરી, જામનગર એલ.સી.બી.માં લાંબો સમય સુધી નોકરી કરી વી.આર.એસ. લઈ છુટા થયેલ નિવૃત પોલીસ કર્મચારી વસરામભાઈ આહીર(મિયાત્રા), બિલ્ડર મુકેશ અભંગી, પ્રવિણ ચોવટીયા, જીગર ઉર્ફે જીમી આડટીયા, અનિલ પરમાર, તેમજ પ્રફુલ પોપટ વગેરેનો સમાવેશ થાય છે.

પત્રકાર પરીષદમાં જણાવવામાં આવ્યું હતું કે, જયેશ પટેલ દ્વારા અનેક બિલ્ડરો, જમીન મકાનના વ્યવસાયકારોની મિલ્કત હડપ કરી જવાનું કાવત્રુ થોડા સમયથી ચાલી રહ્યું હતું. અને આમા જયેશ પટેલ દ્વારા સ્પે. બેંક બનાવી આવા અગ્રણી વેપારીઓની જમીન પચાવી પાડવાનો કારસો ચાલી રહ્યો છે. ચોકકસ ગેંગ દ્વારા અને તેના પ્રતિનિધીઓ દ્વારા નાગરીકોની જમીનોના દસ્તાવેજો તૈયાર કરી લીધા પછી તેનો દુરઉપયોગ કરવામાં આવે છે અને તે દસ્તાવેજો દ્વારા મૂળ માલીકને ધાક–ધમકી આપી ખંડણી માંગવામાં આવે છે. તેમ છતા જો કોઈ ન માને તો ગેંગના સાગરીતો દ્વારા ફાયરીંગો પણ કરવામાં આવે છે. અને મુળ માલીકોને ડરાવી, ધમકાવી ખંડણી ઉઘરાવવાનું કારાસ્તાન કરવામાં આવે છે. આ પ્રવૃતિની જાણ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાને કાને આવતા તેને તાત્કાલીક ડી.આઈ.જી. અને જામનગર પોલીસ ને આના ઉપર કડક કાર્યવાહી કરી ગુનો આચરતી ગેંગને નેસ્ટ નાબુદ કરવાની કડક સુચના આપતા પોલીસ હરકતમાં આવી ૧૪ આરોપીઓ સામે ગુજરાતમાં પ્રથમ વખત ગુજસીટોક ની અઘરી કલમોનો ઉપયોગ કરી ગુનો દાખલ કરેલ છે. અને જે માંથી આઠ આરોપીઓને ગઈકાલે ધરપકડ કરી આજે જામનગર એલ.સી.બી. કચેરીએથી લઈ જવાયા છે અને બપોરના  રાજકોટ રૂરલ કોર્ટમાં રજુ કરશે.

વિશ્વાસપાત્ર વર્તુળમાંથી જાણવા મળ્યા મુજબ જે આઠ આરોપી ઝડપાયા છે તેને ત્યાં પોલીસ દ્વારા તેના રહેણાંક તેમજ ઓફીસોમાં ખાસ તપાસ હાથ ધરી વધુ પુરાવા એકત્ર કરવા કાર્યવાહી કરાઈ રહી છે. આ કાર્યવાહી જામનગર પોલીસની ખાસ ટીમ દ્વારા ખાનગી રાહે અને પુરી ગોપનીયતાથી કરવામાં આવી રહી છે.

(12:48 pm IST)