Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સુરેન્દ્રનગરને મળ્યો જાજરમાન ટાઉન હોલઃ જગદીશ ત્રિવેદી સભાખંડ

કાલે વિજયભાઇના હસ્તે લોકાર્પણઃ ઝાલાવાડના લોકોને રેલ્વે ઓવરબ્રીજ-આવાસ યોજનાની સુવિધા સાંપડશે

વઢવાણ, તા., ૧૭: સુરેન્દ્રનગરને મળ્યો છે જાજરમાન ટાઉન હોલ જેના પ્રતિક્ષા ખંડને 'જગદીશ ત્રિવેદી સભાખંડ' નામકરણ કરાયું છે. કાલે તા.૧૮ ને શુક્રવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ  રૂપાણીના હસ્તે 'પંડીત  દિન દયાળ ઉપાધ્યાય ટાઉન હોલ' અને 'જગદીશ ત્રિવેદી  સભાખંડ'નું લોકાર્પણ કરવામાં આવશે.

કાલે સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલીકા નિર્મિત રેલ્વે ઓવરબ્રીજ અને આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના ૮૦ ફુટ રોડ, ઓમકાર વિદ્યાલય પાસે નવનિર્મિત ટાઉન હોલનું નામ પંડીત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ તથા પ્રતિક્ષાખંડને

આંતર રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સુરેન્દ્રનગરના પનોતા પુત્ર ડો. જગદીશ ત્રિવેદીના સન્માનમાં ટાઉન હોલના પ્રતિક્ષાખંડને 'ડો. જગદીશ ત્રિવેદી સભાખંડ' નામકરણ કરાયુ છે.

આ તકે કુંવરજીભાઇ બાવળીયા, આઇ. કે. જાડેજા, ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, ધનજીભાઇ પટેલ, પરષોતમભાઇ સાબરીયા, શંકરભાઇ દલવાડી, ગૌતમભાઇ ડોડીયા, સહિતના ઉપસ્થિત રહેશે.

શહેરીજનોને ઉપસ્થિત રહેવા પાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોળીયા, જીજ્ઞાબેન પંડયા, અશોકસિંહ પરમાર, સંજયભાઇ પંડયા સહિતના એ આમંત્રણ પાઠવ્યુ છે.

પ્રથમ તસ્વીરમાં ઓવરબ્રીજ ઉપર રોશનીનો ઝગમગાટ, બીજી તસ્વીરમાં નવનિર્મિત ટાઉન હોલ અને ત્રીજી તસ્વીરમાં આવાસ યોજનાના મકાનો નજરે પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(11:43 am IST)