Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઓઇલ માફિયાઓને છાવરનાર પીએસઆઇ સહિત ૬ પોલીસમેન સસ્પેન્ડ

કચ્છ આઇજી સુભાષ ત્રિવેદીનો સપાટોઃ બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશનની હદમાં ૪૫ લાખનો મુદ્દામાલ ઝડપાતા કાર્યવાહી

ભુજ,તા.૧૭: ચાર સરહદી જિલ્લાઓના વડા બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ આવતાં વેંત જ સપાટો બોલાવવાનું શરૂ કરી દીધું છે.

બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશનની હદમાં બોર્ડર રેંજની આરઆર સેલ પોલીસે ઓઈલચોરી કરનાર ઓઇલ માફિયાઓને ૪૫ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા બાદ આ પ્રકરણમાં આઈજી સુભાષ ત્રિવેદીએ વધુ તપાસના આદેશો આપ્યા હતા. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

ઓઈલચોર માફિયાઓ ઉપર આ સ્થળે જ બે દિવસ અગાઉ બનાસકાંઠા ડીએસપીની સૂચનાથી એલસીબી પીએસઆઇ અને ટીમે દરોડો પાડીને ઓઈલચોરી કેસમાં નીલ રિપોર્ટ આપ્યો હતો. ખરેખર તો અહી મહાદેવ હોટેલના માલિક દ્વારા લાંબા સમયથી ઓઈલચોરીનું નેટવર્ક ચાલતું હતું.

આમ પોલીસની સાંઠગાંઠ ખુલતા જ બનાસકાંઠાના ડીએસપીએ છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઈ.એચ. હિંગોરા, એએસઆઈ ગણપત ભીખાભાઇ, કોન્સ્ટેબલ ધીરેન હીરાલાલ, મહેશ હીરાભાઈ, પાલનપુર એલસીબીના એએસઆઈ મોહનસિંહ ભીખાજી, ખુમાનજી રામાજી એમ કુલ ૬ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે.

એક સાથે ૬ પોલીસ કર્મીઓ સામે સસ્પેનશનના પગલે બોર્ડર રેન્જના ચાર પોલીસ જિલ્લામાં અસામાજિક પ્રવૃતિઓ સામે આંખમિચામણા કરનાર પોલીસ કર્મીઓમાં ફફડાટ મચી ગયો છે.

જોકે, સરહદી જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓની જરૂરત છે, અસામાજિક તત્વો વિરુદ્ઘ પોલીસની અને સરકારની ધાક રહે તે દેશના હિતમાં છે.

(11:11 am IST)