Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જુનાગઢની અટલ બિહારી વાજપેયીની જાહેરસભામાં વિજયભાઇ રૂપાણી વ્યવસ્થાપક હતા

૨૦૦૨માં ગુજરાતની છેલ્લી મુલાકાત લીધી હતીઃ પુર્વ વડાપ્રધાન સાથેનાં સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રી

રાજકોટ તા.૧૭: ભુતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથેના સંભારણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યાદ કર્યા છે. કેટલીક એવી રસપ્રદ વાતો છે કે જેની બધાને ખબર નથી. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહયું છે કે અટલજી જનસંઘના વખતથી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવતા હતા. યુવાનોમાં એ વખતે વાજપેયી માટે જબરજસ્ત ક્રેઝ હતો. ભારતના અન્ય નેતાઓમાં તેઓ લોકો માટે હદયસમ્રાટ બન્યા હતા.

મુખ્યમંત્રી વધુમાં કહે છે કે ૧૯૮૦ના વાજપેયીની જુનાગઢમાં જાહેર સભા યોજાઇ હતી. તેના વ્યવસ્થાપક તરીકે મને જવાબદારી સોંપી હતી. વાજપેયીજી સાથે એમ્બેસેડર કારમાં બેસીને હું જુનાગઢ ગયો હતો પરંતુ એ વખતે રસ્તાઓ ખુબ જ તુટેલા-ફુટેલા હતા આથી વાજપેયીએ જાહેર સભાની શરૂઆતમાં જ રમુજ કરી હતી કે 'રાસ્તે મે ખડ્ડા હૈ કે ખડ્ડે મે રાસ્તા હૈ...' એ જાહેર સભામાં હજારો લોકો ઉમટી પડયા હતા.

સીમલા કરાર પછી પાકિસ્તાને જમીન પાછી આપી દેવાઇ હતી. કચ્છ સત્યાગ્રહમાં વાજપેયીજીએ દેશભકિતને લઇને અનેક જાહેરસભાઓમાં ભાષણો કર્યા હતા અને કવિતાઓ ગાઇ હતી. જે આજે પણ અનેક કાર્યકર્તા અને જુના જનસંઘીઓ યાદ કરે છે.

વિજયરૂપાણી કહે છે કે, ૧૯૭૪માં ગુજરાતમાં પ્રથમ વખત બીનકોંગ્રેસી સરકાર બની હતી. જેમાં જનસંઘ, સ્વાતંત્ર્ય પક્ષ તથા અન્ય પક્ષોએ સાથે મળીને એલાયન્સની સરકાર બનાવી હતી જેનું શ્રેય વાજપેયીની જાય છે. આમ એ સમયથી એલાયન્સની રાજનીતિ શરૂ થઇ.

અટલ બિહારી વાજપેયીએ ૨૦૦૨માં ગુજરાતની મુલાકાત લીધી એ તેમની છેલ્લી મુલાકાત રહી હતી. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. એ સમયે તેઓ વડાપ્રધાન હતા. ગુજરાતની મુલાકાત વખતે તેઓએ કેટલાક સ્થળોની મુલાકાત પણ લીધી હતી, એવું મુખ્યમંત્રીએ જણાવ્યંુ હતું.

મુખ્યમંત્રી રૂપાણી જણાવે છે કે હું ૨૦૦૬માં રાજયસભાનો સભ્ય બન્યો હતો એ સમયે દિલ્હીમાં મેં વાજપેયીની મુલાકાત લીધી હતી. એ મારી વાજપેયીજી સાથેની છેલ્લી મુલાકાત હતી.

(3:51 pm IST)