Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મોરબી : રાહુલ ગાંધી સામે કિન્નાખોરી આધારિત રાજનીતિ બંધ કરવા માંગ, ધરણા કરી વિરોધ પ્રદર્શન

કલેકટર કચેરી ખાતે ધરણાં પર બેઠા ; કલેકટર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખ્યો

મોરબી ;  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ 17 જૂનથી 20 જૂન સુધી સ્થગિત કરવાની વિનંતી સ્વીકારી હતી. પરંતુ આ મુદ્દે સમગ્ર દેશમાં કોંગી કાર્યકરો દ્વારા સરકાર અને EDનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જયંતિલાલ જે. પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરી ખાતે ધરણાં પર બેઠા હતા અને આ મુદ્દે  કલેકટર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખ્યો હતો.

જ્યાં તેમણે લખ્યું હતું કે, નેશનલ હોરલ્ડ કેસમાં બી.જે.પી ની કિન્નાખોરી આધારિત કેન્દ્ર સરકારની તપાસ એજેન્સી ED દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સન્માનીય નેતા રાહુલ ગાંધીને ખોટી કનડગત અને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે જે પૂર્વાગ્રહ આધારિત હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. લોકશાહી દેશમાં વિપક્ષ નેતાઓને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાનું કામ વર્તમાન, કેન્દ્રની બી.જે.પી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.જે ભારત દેશની લોકશાહી માટે ખતરા રૂપ કહેવાય.
બીજી તરફ દિલ્હીમાં એ.આઈ.સી.સી. ના વડા મથક માં પોલીસે બળપૂર્વક પ્રવેશ કર્યો હતો અને પ્રવેશતાની સાથે પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને બેરહમીથી માર માર્યો હતો. પોલીસ દ્વારા કાયદો હાથમાં લઈ બિનલોકશાહી ઢબે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું.જે ખૂબ જ નિંદનીય છે. જ્યારે જ્યારે પણ પ્રજાના હક માટે અન્યાય સામે અવાજ ઉઠાવવા અને લોકો ન ન્યાય માટે, ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે કોંગ્રેસ દ્વારા લડત આપવામાં આવે છે ત્યારે સરકારના ઇશારે પોલિસ દમન કરે છે. જે લોકશાહી દેશમાં પ્રજા અને વિપક્ષના હકનું ઉલંઘન કરે છે. તેથી આ મુદ્દે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે કે લોકશાહી દેશમાં મુલ્ય આધારિત સુશાસન વ્યવસ્થા ચાલે,બંધારણમાં પ્રજા અને વિપક્ષને આપેલા અધિકારોનું રક્ષણ કરવામાં આવે.

(12:52 am IST)