Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સણોસરા ગામની સીમમાં લૂંટના ઇરાદે ધાડપાડી હુમલો કરવાના ગુન્‍હામાં જામીન મંજુર

રાજકોટ તા.૧૭ : સણોસરા ગામની સીમમાં વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરીયાદી તથા તેના પરિવાર ઉપર લૂંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી હુમલો કરી લૂંટના ગુન્‍હામાં પકડાયેલ આરોપી નં. ૧ વિજયભાઇ ભાવસીંગભાઇ મોહનીયા તથા આરોપી નં.ર મેસુલભાઇ વીરસીંગભાઇ ભુરીયાને સેસન્‍સ કોર્ટ દ્વારા જમીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે તા.૧૭/૩/રર ના રોજ સણોસરા ગામની સીમમાં વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરીયાદી વીરજીભાઇ ભગવાનજીભાઇ બાવળીયા તથા તેના પરિવાર ઉપર આરોપી નં.૧ વિજયભાઇ ભાવસીંગભાઇ મોહનીયા તથા આરોપી નં.ર મેસુલભાઇ વીરસીંગભાઇ ભુરીયાએ લૂંટના ઇરાદે ધારીયા, દાતારડાના હથીયારથી ફરીયાદી ઉપર હુમલો કરી તથા ફરીયાદીના પત્‍નીને માર મારી નાકમાં પહેરેલ દાણો ખેચી લઇ નાકમાં ઇજા કરી તથા કાનના બુટીયાની લૂંટ કરી તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ રૂા.૧,૩૮,૦૦૦ તથા સોનાનો ચેન રૂા.૩૦,૦૦૦ તથા ચાંદીના હાથમાં પહેરવાના પંજા જોડી-૧ અને ચાંદીનો કંદોરો તથા સાંકળા મળી આશરે પ૦૦ ગ્રામ ચાંદી રૂા.ર૦,૦૦૦ તેમજ નાકનો દાણો રૂા. ૧,૦૦૦ અને સોનાના બુટીયા ચાર ગ્રામ રૂા.૧૦,૦૦૦ તથા રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,૯૯,૦૦૦ ના મતાની ધાડ પાડી લૂંટ કર્યા અંગેની ફરીયાદીએ ફરીયાદ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ આરોપીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ અને કોર્ટમાં રજુ કરતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હોય ત્‍યારબાદ ચાર્જશીટ બાદ આરોપીઓ દ્વારા સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

આરોપી વતી રજુઆત થયેલ કે કેસ ચાલતા ઘણોસમય વ્‍યતીત થાય તેમ હોય તેમજ કેસનુ ભારણ જોતા તાત્‍કાલીક કેસ ચાલે તેમ નથી જેવી રજુઆત કરતા તેમજ ઉચ્‍ચ અદાલતના રજુ રાખેલ ચુકાદા ઉપર ધ્‍યાન દોરતા સેસન્‍સ કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ હર્ષ રોહીતભાઇ ઘીયા, મયુરભાઇ ચૌહાણ તથા નિરવભાઇ પંડયા રોકાયેલ હતા.

(4:08 pm IST)