Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પોરબંદરની ડો.ગોઢાણિયા ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં ભાર વિનાનું ભણતર આપવાનો નવતર અભિગમ

પોરબંદર, તા.૧૬: ધોરણ ૯ થી ૧૨ સુધીનું શિક્ષણ આપતી ગુજરાતી માધ્‍યમની સ્‍કૂલ એટલે શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ગર્લ્‍સ હાઇસ્‍કૂલ ખાતે બોજ વિનાનું શિક્ષણ આપવાના નવતર અભિગમ સાથે શાળામાં પ્રવેશ મેળવનાર નવ નિયુકત બાળકોને કુમકુમ તીલક કરી મોં મીઠું કરાવીને મીઠો આવકાર આપવાનો કાર્યક્રમ અનેરા ઉત્‍સાહ સાથે યોજાયો.

સ્‍કૂલના આચાર્યા શ્‍વેતાબેન રાવલે બાળકોને કપાળમાં કુમકુમ તીલક કરી મોં મીઠુ કરાવી આવકાર આપતા જણાવ્‍યુ હતું કે આ સ્‍કૂલ છેલ્લા ઓગણીસ વર્ષથી દીકરીઓનું ચારિત્ર્ય ઘડતર કરી રહી છે. સ્‍કૂલના દાતા અને ટ્રસ્‍ટી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્‍યુ હતુ કે, જીવન બ્રાહ્ય શણગારથી શોભતુ નથી પણ સદગુણોથી શોભે છે દીકરીઓમાં સદગુણો કેળવવા શિક્ષકોને અનુરોધ કર્યો હોત.

ટ્રસ્‍ટના પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્‍યુ હતુ કે સંસ્‍કાર ઘડતરનું કામ બાળપણમાં જ થાય છે માતા-પિતા શિક્ષકના સાનિધ્‍યમાં નાનપણમાં પડેલા સંસ્‍કારો જીવન પર્યંત ટકી રહે છે. શાળામાં પ્રવેશ પામેલી દીકરીઓને ધો.૧૦ની દીકરીઓએ કપાળમાં કુમકુમ તીલક કરી મોં મીઠું કરાવી સત્‍કાર્યા હતા. વાલીઓની હાજરી પ્રેરક રહી હતી.

ટ્રસ્‍ટી ભરતભાઇ વિસાણા, એકટીવ ટ્રસ્‍ટી ડો.હિનાબેન ઓડેદરા અને કેળવણીકાર ડો.ઇશ્‍વરલાલ ભરડાએ બાળકોને આનંદદાયી, રસપ્રદ અને ભાર વગરનું શિક્ષણ ટેકનોલોજીના માધ્‍યમથી આપવા અનુરોધ કર્યા હતો.

ભાર વગરના ભણતરના નૂતન અભિગમ કાર્યક્રમમાં ગોઢાણીયા ઇગ્‍લીશ મિડિયા માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના પ્રિ. ભાવનાબેન અટારા, ગોઢાણીયા પ્રિ.પ્રાયમરી સ્‍કૂલના આચાર્ય અનિતાબેન પંડયા સહિત શિક્ષકગણ, વાલીગણ સહિત વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હતી.

(11:48 am IST)