Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

થાન મામલતદાર લાવડીયાનું સતત બે દિ' ઓપરેશન : રોયલ્‍ટી પાસનું કૌભાંડ ઝડપી લીધુ : ૧ કરોડ ર૮ લાખનો મુદ્દામાલ સીઝ

કાર્બોસેલનો જથ્‍થો ગેરકાયદે મેળવી લોડ કરાયેલ : અન્‍ય રાજયમાં મોકલવાનું કૌભાંડ

વઢવાણ, તા. ૧૭ :  સુરેન્‍દ્રનગર કલેકટરની સુચના બાદ થાન મામલતદાર  શ્રી રાણા લાવડીયાએ પોતાની ટીમ સાથે સતત બે દિ' દરોડો પાડી રોયલ્‍ટી પાસનું કૌભાંડ ઝડપી લીધું હતું.

તા. ૧પ તથા તા. ૧૬ દરમ્‍યાન થાનગઢ તાલુકામાં ખનીજ ચોરો-માફિયાઓ સાથેની ઝુંબેશ ચાલુ રાખતા અનધિકૃત પરિવહન કરતા સંખ્‍યાબંધ વાહનો અને ખનીજનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો હતો, જેમાં ટ્રેઇલરમાં કાર્બોસેલ મળી ૬૧ લાખનો, ડમ્‍પર-૧માં કાર્બોસેલ મળી ૩૧ લાખનો તથા ડમ્‍પર-૧ કાર્બોસેલ મળી ૩૬ લાખનો મળી કુલ રૂા. ૧ કરોડ ર૮ લાખનો જથ્‍થો લીઝ કરાયેલ.

તપાસ દરમ્‍યાન ટ્રેઇલર નં. આરજે-પર-જીએ-પ૬૪પ નો કાર્બોસેલ રોયલ્‍ટી પાસ ગાયત્રી મિનરલ્‍સ મુળી દ્વારા ઇસ્‍યુ થયેલ જણાવેલ જે મુરાદાબાદ (યુ.પી.) ખાતે મોકલવાનો હતો. આ ટ્રેઇલર યુ.પી.માં અમીરગઢ/ પાલનપુર બોર્ડરથી પસાર થાય તો મુળીથી અમદાવાદ જવાના રસ્‍તાના બદલે થાનગઢમાંથી કેમ પસાર થાય તે બાબત શંકાસ્‍પદ જણાતા ઉંડી તપાસ કરવામાં આવતા ડ્રાઇવરનું નિવેદન લેતા આ કાર્બોસેલનો જથ્‍થો અનધિકૃત રીતે મેળવી લોડ કરેલ અને જેનો રોયલ્‍ટી પાસ સ્‍ટોકિસ્‍ટ હોલ્‍ડરથી ગાયત્રી મિનરલ્‍સ લી.એ ઇસ્‍યુ કરેલ છે. આમ, ગેરકાયદેસર રીતે ખનન કરેલ કાર્બોસેલનો જથ્‍થો રોયલ્‍ટી પાસ ઇસ્‍યુ કરી અન્‍ય રાજયમાં મોકલવાનું કૌભાંડ બહાર આવેલ છે. થાનગઢ-મુળી પંથકમાં મોટાપાયે કાર્બોસેલના લીઝ હોલ્‍ડરો સ્‍ટોકીસ્‍ટો દ્વારા હાલની દેશમાં કોલસાની તંગીનો લાભ ઉઠાવવા આર્થિક લાભ મેળવવા કૃત્‍ય કર્યાનું ધ્‍યાને આવેલ છે, વિસ્‍તૃત તપાસ બાદ સંભવ છે કે આ કૌભાંડનો આંકડો ખુબ જ મોટો નીકળે તેમ છે. આવા કૌભાંડમાં સામેલ કોઇ ચમરબંધીઓને છોડવામાં આવશે નહીં અને આવા લીઝધારકો-સ્‍ટોકિસ્‍ટના વેચાણ વ્‍યવહારો તપાસી ગેરરીતી આચરનારાઓની લીઝો રદ કરવા સ્‍ટોકિસ્‍ટના રજીસ્‍ટ્રેશન બંધ કરવાના સખત પગલા લેવામાં આવશે. તેમજ અન્‍ય દંડાત્‍મક, ફોજદારી રહે પગલા પણ લેવામાં આવશે તેમ મામલતદાર રાણા લાવડીયાએ અકિલાને જણાવ્‍યું હતું. 

(11:36 am IST)