Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ખંભાળીયાની ઘી નદીના ચેકડેમના પાટીયામાં ગાબડુ : કોટડાસાંગાણીમાં વિજશોકથી આખલાનું મોત : સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મિશ્ર હવામાન

ગઇકાલથી મેઘરાજાનું જોર ઘટયું જે આજે બપોરે પણ યથાવત

પ્રથમ તસ્‍વીરમાં ઘી નદીના ચેકડેમના પાટીયામાં ગાબડુ તથા કોટડાસાંગાણીમાં આખલાનું મોત થયું તે નજરે પડે છે. (તસ્‍વીર : કૌશલ સવજાણી - ખંભાળીયા, કલ્‍પેશ જાદવ - કોટડાસાંગાણી)

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કાલથી વરસાદનું જોર ઘટયું છે અને કોઇ - કોઇ જગ્‍યાએ હળવા છાંટા વરસી જાય છે. આવા વાતાવરણ વચ્‍ચે આજે સવારથી ધૂપ - છાંવનો માહોલ છવાયેલ છે અને મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાની ધી નદીની દિવાલમાં ગાબડુ પડયું હતું જેથી તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું છે અને કોટડાસાંગાણીમાં વિજ શોકથી આખલાનું મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : પાલિકા વિસ્‍તારમાં ખામનાથ પાસે આવેલી ધી નદી પર વર્ષો જુના ચેકડેમના પાટીયામાં ગઇકાલે સાંજે કે રાત્રે ગાબડુ પડી જતાં તેમાંથી વર્ષોથી બંધ ગંદુ પાણી ફીણ સાથે ફુવારાની જેમ વહેવા લાગતા લોકોએ જાણ કરતા પાલિકા પ્રમુખ શ્રી ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યએ નદીના તૂટેલા પાટીયાની રૂબરૂ મુલાકાત લઇને આ બાબતે પાલિકા ઇજનેરને પોલીસને ફરીયાદ કરવા આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ નદીનું પાણી પાટીયા વારંવાર તોડી નંખાતા હોય અગાઉ પરત ફરિયાદો થતી હતી તે પછી તાત્‍કાલિક વોટર વર્કસ ઇજનેર સ્‍વ. મુકેશ જાનીએ કોંક્રીટના પાટીયા પૂરી દીધા હતા. તેમાં કોઇ ગાબડુ પાડી ગયા હોય આ બાબતે અજાણ્‍યા અસામાજિક તત્‍વો સામે ફરીયાદ તથા પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

કોટડાસાંગાણી

(કલ્‍પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી : કોટડાસાંગાણીમા બસ સ્‍ટેન્‍ડ પાસે આખલો લોખંડના વીજપોલને અડી જતાં વિજશોકથી તેમનું ઘટના સ્‍થળે જ મોત થતાં જીવ દયા પ્રેમીઓ દોડી આવ્‍યા હતા.તો બીજી તરફ આ વીજપોલ પાસેથી દરરોજની કન્‍યા શાળામાં અભ્‍યાસ કરતી બસો વિદ્યાર્થીનીઓ આ વીજપોલ પાસેથી પસાર થતી હોઈ જેઓના જીવ પણ જોખમમાં રહેલા છે.

કોટડાસાંગાણી પી.જી.વી.સી.એલ.ની બેદરકારીના કારણે અબોલ પશુનો જીવ જવા પામ્‍યો છે.બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ ગટરના કાંઠે લોખંડના વીજપોલને બુધવારના રાતના આઠ વાગ્‍યાના અરસામાં આખલો અડી જતાં આખલાનુ વીજશોકથી ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું. બનાવ અંગે જીવ દયા પ્રેમીઓને જાણ થતાં બનાવ સ્‍થળે દોડી આવ્‍યા હતા.અને પી.જી.વી.સી.એલ.ની બેદરકારી અંગે ફિટકાર વરસાવ્‍યો હતો.

આવા કિસ્‍સાઓ કોઈના કોઈ ગામે લોખંડના વીજપોલને અડી જવાથી માનવ તેમજ પશુઓના માતના કિસ્‍સાઓ અવાર નવાર સામે આવતા હોઈ છે.ત્‍યારે કોટડાસાંગાણી મા બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ લોખંડના વીજપોલ પાસેજ કન્‍યા શાળામાં જવાનો રસ્‍તો હોવાથી આ વીજ પોલ નજીકથી જ દરરોજના દિવસમાં ચાર વખત કન્‍યા શાળા ઓની બસો વિદ્યાર્થીની ઓ પસાર થતી હોઈ છે.જેઓના જીવ પણ જોખમમાં રહેલા છે.જો કોઈ આવવા જ બનાવમાં કોઈ વિદ્યાર્થીનીનો આ લોખંડના વીજપોલના કારણે વીજ શોકથી જીવ જવા પામ્‍યો તો જવાબદાર કોણ રહે છે.આ પ્રશ્ન વિદ્યાર્થીની ઓના વાલીઓને પણ ચિંતીત રાખે છે.ત્‍યારે કોટડાસાંગાણી માં અનેક સ્‍થળોએ હજુએ લોખંડના વીજપોલ રહેલા છે.જેઓને પણ તાત્‍કાલિક બદલી સીમેન્‍ટના વીજપોલ નાખવામા આવે તે જરૂરી બન્‍યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૬ મહત્તમ, ૨૭.૫ લઘુત્તમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૦.૪ પ્રતિ કલાક પવનની ગતિ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં કાલાવડમાં ૩ એમ.એમ. વરસાદ નોંધાયો છે.

(11:32 am IST)