Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દ્વારકામાં બાંધકામ પરવાનગી મેળવવાના ૧૧ વર્ષ પૂર્વેના પ્રકરણમાં બે હજારની લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીને ત્રણ વર્ષની સખત કેદ

રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારતી દ્વારકાની અદાલત

(મુકુંદ બદિયાણી-કૌશલ સવજાણી દ્વારા) જામનગર-ખંભાળીયા, તા. ૧૭: દ્વારકા નગરપાલિકામાં બાંધકામ વિભાગના ફરજ બજાવતા કર્મચારી દ્વારા એક આસામી પાસેથી બાંધકામ પરવાનગીના બદલામાં રૂપિયા ૨,૦૦૦ ની લાંચ લેવાના ૧૧ વર્ષ પૂર્વેના ગુનામાં દ્વારકાની એડિશનલ સેશન્‍સ અદાલતે આ શખ્‍સને ત્રણ વર્ષની સખત કેદ તથા રોકડ ફટકારતો હુકમ કર્યો છે.

આ પ્રકરણની વિગત મુજબ દ્વારકા નગરપાલિકા વિસ્‍તારમાં રહેતા એક આસામી દ્વારા તેમના પત્‍નીના નામે આવેલા પ્‍લોટમાં બાંધકામ માટેની મંજૂરી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે દ્વારકા નગરપાલિકાના વર્ગ ત્રણના કર્મચારી અને ઓવરશિયર તરીકે કામ કરતા રમેશ મેઘજીભાઈ કણજારીયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવતા વર્ષ ૧૧-૦૩-૨૦૧૧માં જામનગર એ.સી.બી. પોલીસે છટકું ગોઠવીને તેને રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

આ અંગેના વિવિધ પુરાવાઓ એકત્ર કરી અને ચાર્જશીટ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ધ્‍યાને લઈ અને દ્વારકાની સ્‍પેશિયલ એડિશનલ સેશન્‍સ અદાલત સમક્ષ આ કેસ ચાલી જતા જજ શ્રી પી.એચ. શેઠ દ્વારા ઉપરોક્‍ત કર્મચારીને ત્રણ વર્ષની સખત કેદ તથા જુદાજુદા ગુનામાં રૂપિયા ૧૦ હજારનો રોકડ ફટકારતો હુકમ કર્યો છે.

કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી તેઓની ફરજમાં આવતા કામ માટે લાંચની માગણી કરે તો એસીબી વિભાગના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા વોટ્‍સએપ નંબર ૯૦૯૯૯ ૧૧૯૫૫ ઉપર જાણ કરવા એસીબી વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

(11:40 am IST)