Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કચ્છના માંડવીમાં બે દેરાસરમાંથી ચોરી: રાપરમાં નશામાં ધૂત શખ્સોએ દર્શન આડે નંદી આવતાં તોડફોડ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭

કચ્છમાં મંદિર, ઘરફોડ ચોરી, ચેન અને મોબાઈલ ચીલઝડપના ગુનાઓ સતત ચાલુ જ છે. માંડવી નજીક આવેલ મેઘજી સોજપાલ જૈન આશ્રમમાં આવેલ શાંતિનાથ અને ચન્દ્રપ્રભુ ભગવાનના જૈન દેરાસરના તાળા તોડી તસ્કરો દાન પેટીમાંથી ૩૫ હજાર રૂ.ની ચોરી કરી ગયા હતા. સમયસૂચકતાને કારણે રાત્રે ભગવાનના આભૂષણો ઉતારી લેવાયા હોઈ એ બચી ગયા હતા. માંડવીના નવાવાસ દુર્ગાપુર ગામે અશ્વિન રામજી ગડા ભોજનશાળામાં કામે ગયા હતા ત્યારે તેમના ઘરના પાછલા દરવાજા માંથી પ્રવેશીને અજાણ્યા તસ્કરે કબાટનું તાળું તોડી રૂ.૧૩ હજારની ચોરી કરી હતી. અંજારના જરૂ ગામે કેબલ ચોર તસ્કરો ગોપાલ નારાણ હડિયોની વાડીના બોરમાંથી ૧૯ હજારનો કેબલ વાયર ચોરી ગયા હતા. જ્યારે રાપરમાં ત્રમ્બૌ ગામે ક્લ્યાણેશ્વર મહાદેવના મંદિરે નંદી અને બે સંતોની મૂર્તિ ખંડિત કરાઈ હતી. આ સંદર્ભે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. દરમ્યાન પોલીસે આ બનાવમાં સંડોવાયેલા જેસડા મોડપર વાડી વિસ્તારમાં રહેતા અમરશી ભચા કોલી અને નાનક રવા કોલીને ઝડપી પાડયા હતા. પોતે નશામાં ધૂત હતા ત્યારે દર્શન કરવામાં અડચણ આવતાં મૂર્તિઓની તોડફોડ કરી હોવાનું બન્ને આરોપીઓએ જણાવ્યું હતું. આ કિસ્સામાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

(10:40 am IST)