Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ભડકાઉ ભાષણના મુદ્દે મુસ્લિમ અગ્રણી ભુજ પોલીસમાં હાજર થયા: રૂબરૂ અને સોશ્યલ મીડિયામાં હિન્દુ, મુસ્લિમ સમર્થકોનું ભારે સમર્થન

ભુજ એ ડિવિઝન પોલીસે માત્ર નિવેદન નોંધ્યું, ગુનો દાખલ કરવામાં કાચું કપાયાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭

 કચ્છના જાણીતા રાજકીય અને સામાજિક આગેવાન હાજી જુમા રાયમા સામે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા ભડકાઉ ભાષણ મુદ્દે ગુનો નોંધવામાં આવ્યો હતો. કરણીસેનાના પ્રવક્તા મૌલિકસિંહ વાઢેર દ્વારા ભુજમાં ભડકાઉ ભાષણ કરાયા બાદ મૌલિકસિંહ સામે ગુનો નોંધાયો હતો. આ ભાષણ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવા બાબતે હાજી જુમા રાયમા સામે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે ગાંધીધામ રહેતાં હાજી જુમા રાયમાએ તેમને અખબારો દ્વારા પોતાની સામે ગુનો નોંધાયો હોવાની જાણ થઈ હોવાનું જણાવી સામેથી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જોકે, ગુનો નોંધાયો હોવાનું જણાવનાર ભુજ એ ડિવિઝન પોલીસને પોતાની સામે કાયદેસર કાર્યવાહી કરવાનું હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું. પણ, પોલીસે માત્ર તેમનું નિવેદન લઈ અને પછી જરૂર પડશે ત્યારે બોલાવવાનું કહ્યું હતું. જોકે, આ ઘટના ક્રમ વચ્ચે હાજી જુમા રાયમા સાથે ભુજ પોલીસ સ્ટેશને તેમ જ સોશ્યલ મીડિયા દ્વારા પણ તેમના સમર્થન માટે  હિન્દુ, મુસ્લિમ સમાજના અનેક લોકો આવ્યા હતા. હાજી જુમા રાયમા કચ્છમાં કોમી એકતા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. દરેક ધર્મના તહેવારો દરમ્યાન નીકળતી ધાર્મિક યાત્રાઓ માં પણ ભાગ લે છે. કથાઓના આયોજન માં પણ જોડાય છે. ભડકાઉ ભાષણ મુદ્દે ભુજ એ ડિવિઝન પોલીસે નોંધેલી ફરિયાદ માં ક્યાંક કાચું કપાયું હોવાની ચર્ચા છે. દરમ્યાન હાજી જુમા રાયમાએ પોતાને ન્યાયમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવાનું જણાવી પોતાને સહયોગ આપનાર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

(10:34 am IST)