Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

નર્મદ સાહિત્ય સભા દ્વારા કચ્છના જાણીતા સર્જક શ્રી ગૌતમ જોશીને 'નર્મદ ચંદ્રક એનાયત કરાયો

વી.આર.ટી.આઈ. દ્વારા પ્રકાશિત 'કચ્છની રંગભૂમિ' પુસ્તક ગુજરાતમાં છવાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭

 નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા વર્ષ 2016 થી 2021 દરમિયાન પ્રગટ થયેલાં સંશોધન વિષયક પુસ્તકોમાંથી 'કચ્છની રંગભૂમિ' પુસ્તક માટે જાણીતા સર્જક શ્રી ગૌતમ જોશીને નર્મદ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.પંદર જૂન -'૨૨, બુધવારના રોજ એક ઓનલાઇન સમારોહ નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી ડો.પ્રફુલ્લ દેસાઈના અધ્યક્ષપદે

યોજાઈ ગયો. કાર્યક્રમનું સંચાલન કરતાં સંસ્થાના મંત્રી યામિનીબહેન વ્યાસે શરૂઆતમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા અપાતા વિવિધ ચંદ્રકો વિષે માહિતી આપી હતી.શ્રીએ નરેશભાઈ કાપડિયાએ ગૌતમભાઈ જોશીની અને નિર્ણાયક અરુણભાઈ ક્કડનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. ત્યાર બાદ વી.આર.ટી.આઈ. સંસ્થા ના પ્રકાશન અધિકારી શ્રી ગોરધન પટેલ 'કવિ' એ શ્રી ગૌતમ જોશીને ચંદ્રક અને સ્મૃતિ ચિન્હ અર્પણ

કર્યા હતા. 'કચ્છની રંગભૂમિ ' પુસ્તકની સમીક્ષા કરતાં નિર્ણાયક શ્રી અરુણભાઈ કક્કડે જણાવ્યું હતું કે, કચ્છના ગામડાઓમાં નવરાત્રિ દરમિયાન ભજવાતા જૂની રંગભૂમિના નાટકો વિષે અભ્યાસ કરી તેનું દસ્તાવેજી કરણ કર્યું એ

ખૂબ મહત્વનું છે.માત્ર જૂની રંગભૂમિ નહીં પણ નવી રંગભૂમિને પણ લેખકે આ પુસ્તકમાં ઉજાગર કરી છે. દસ્તાવેજી કરણની દ્વષ્ટિએ આ પુસ્તક મહત્વનું છે. સંશોધનની દ્રષ્ટિએ શ્રી જોશીએ માત્ર ટેબલ વર્ક નહીં પણ ફિલ્ડ વર્ક કર્યું છે. એ ગામડામાંઓમાં પહોંચ્યા છે .લોકસંપર્ક કર્યો છે. આ પુસ્તક સંશોધનના માપદંડો પ્રમાણે કસોટીમાં ખરું ઊતર્યું છે અને નર્મદ ચંદ્રક મેળવી શક્યું છે. ચંદ્રક મેળવ્યા બાદ ગૌતમ જોશીએ પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે,આ પુસ્તકમાં કચ્છના નાટકોને જીવંત રાખવાની કોશિશ

કરી છે. નાટકનો જીવ હોવાને કારણે નાટકો મને પ્રિય છે. આ મારા આ લેખન માટે મેં કચ્છના ગામડાઓની મુલાકાત લઈ જુની રંગભૂમિ નાં કલાકારો શાંતિલાલ ચંદે, ચાંપશીભાઇ આઇયા, અને કીર્તિભાઇ કોટક વગેરેનાટ્ય કલાકારોને મળ્યો.એમના અનુભવોનું ભાથું બાંધ્યું.અને એ ભાથાને જયારે ખોલ્યું ત્યારે મારુ આ પુસ્તક -લખાયું-ધરાયું.' એમણે આ તબક્કે કચ્છના કલાકારો, કચ્છમિત્રનાં તંત્રીશ્રી અને કચ્છની રંગભૂમિ માં સહયોગ આપનાર વી.આર.ટી. આઈ.નો ખાસ આભાર માન્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી બોલતાં ડો.પ્રફુલ્લ દેસાઈએ કહ્યું હતું કે, 1940 થી ચાલતી 'નર્મદ સાહિત્ય સભા' આજે સુરતથી કચ્છ સુધી પહોંચી છે એનો મને આનંદ છે. કચ્છી માડુઓ નર્મદના મિત્રો અને શુભેચ્છકો હતા.અને આજે જયારે એક કચ્છી માડુને 'નર્મદ ચંદ્રક' પ્રાપ્ત થયો છે ત્યારે મને એવું લાગે છે કે એક ચક્ર પૂરું થયું છે .' એમણે શ્રી જોશીને અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી.

આ સમારોહમાં શ્રી ગોરધન પટેલ 'કવિ', કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ શ્રી લાલજી મેવાડા `સ્વપ્ન', મંત્રી શ્રી કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત' ઓન લાઈન જોડાણા હતા.આભાર દર્શન નર્મદ સભાના ઉપપ્રમુખ શ્રી બકુલેશ દેસાઈએ કર્યું હતું.

(10:22 am IST)