Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વાંકાનેરની પંચાસીયા સહકારી મંડળીની ચુંટણીનું જાહેરનામુ પ્રસિધ્‍ધ

વાંકાનેરના ધારાભ્‍ય પીરઝાદાની કિશાન સેવા સહકારી મંડળી - પંચાસીયાની ચુંટણી ગત ૧૩ જુને રદ થઇ હતી અને વહીવટદારની નિમણૂક થઇ હતી. ધારાસભ્‍યે આ મુદે ઉપલી કોર્ટમાં અપીલમાં જવાનું નિવેદન કરેલુ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૭: વાંકાનેરના પંચાસીયા મંડળીની વ્‍યવસ્‍થાપક સમતિની સામાન્‍ય ચુંટણીનું જાહેરનામુ ગઇકાલે તા.૧૬-૬ના રોજ પ્રસિધ્‍ધ થતા વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદાએ ત્રણેક દિવસ પૂર્વે આ મંડળીની ચુંટણી રદ થયેલી ત્‍યારે પ્રેસ જોગુ નિવેદન આપેલુ કે અમે આ મુદ્દે ઉપલી કોર્ટમાં અપીલ કરીશુ' તે અપ્રાસંગિક બની જવા પામેલ છે.

નામદાર મેમ્‍બર બોર્ડ ઓફ લવાદ કેસ નં.૨/૨૦૨૨માં તા.૧૩/૬/૨૨ના આપેલ હુકમ મુજબથી કિશાન સેવા સહકારી મંડળી લીમીટેડ મુ.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબીની ચુંટણી સમય મર્યાદામાં કરવાની થાય છે. મંડળીના પેટા નિયમ ૩૨ મુજબ કુલ ૧૬ સભ્‍યોની સને ૨૦૨૨/૨૦૨૩ થી સને ૨૦૨૬/૨૦૨૭ની ચુંટણી તારીખથી પાંચ વર્ષની મુદત માટે ચુંટણીનો કાર્યક્રમ ચુંટણી અધિકારી બી.આર.વણપરા, એડિટર ગ્રેડ મોરબી દ્વારા પ્રસિધ્‍ધ કરવામાં આવેલ જાહેરનામામાં પ્રથમ મતદાર યાદી અને ખાલી પડેલી જગ્‍યાની સંખ્‍યા નામ સાથે પ્રસિધ્‍ધ કરવાની તા.૧૮/૬ના ૧૧ કલાકે, સામાન્‍ય ૧૧, અનુ જાતિ-૧, નાના અને સીમાંત ખેડુત ૧, સ્‍ત્રી ૨, થાપણદાર ૧ મળી કુલ ૧૬ સભ્‍યો.

કાર્યક્રમ અનુસાર મતદાર યાદી ઉપર વાંધાઓ રજુ કરવાની છેલ્લી તા.૧૯/૬ના પાંચ વાગ્‍યા સુધી છેવટની મતદાર યાદી પ્રસિધ્‍ધ કરવાની તા.૨૧/૬, ઉમેદવારી પત્રો સ્‍વીકારવાની છેલ્લી તા.૨૩/૬, ઉમેદવારી પત્રોની ચકાસણીની તા.૨૪/૬, માન્‍ય થયેલ ઉમેદવારી પત્રોની જાહેરાતની તા.૨૪/૬, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.૨૫/૬ છે. જયારે મતદાન, મત ગણતરી અને ચૂંટણી પરિણામ એક જ દિવસે તા.૪/૭ના રોજ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિશાન સહકારી મંડળીની ચુંટણી રદ કરવા માટે મંડળીના સભ્‍ય યુનુસભાઇ ખોરજીયા દ્વારા પોતાના વકીલ સતીશભાઇ આર.દેથલીયા દ્વારા માંગણી કરવામાં આવેલ. જે માંગણી માન્‍ય રાખી કારોબારી સમિતિની ચૂંટણી રદ કરી વહીવટદારની નિમણૂંક કરવામાં આવેલ

(10:14 am IST)