Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ભાવનગરમાં ૬ અને વરતેજમાં એક સાથે બે જનાઝા નિકળ્યા

તારાપુર પાસે સર્જાયેલ અકસ્માત બાદ ગમગીનીઃ પરિવારમાં ૭પ વર્ષના એક માત્ર વૃધ્ધ ઘરે હતા એટલે બચી ગયાઃ કારના ડ્રાઇવરની સિદસરમાં અંતિમવિધિ

ભાવનગર : ગોઝારા અકસ્માત નો ભોગ બનનારના મૃતદેહો ગઈકાલે મોડી સાંજે ભાવનગર લવાયા હતા .જેમાં છ મૃતદેહો ને ભાવનગર શહેરના કુંભારવાડા કબ્રસ્તાનમાં દફન કરાયા હતા. જ્યારે બે મૃતકોની વરતેજ ખાતે દફન વીધી કરાઇ હતી. જ્યારે ડ્રાઇવર એક હિન્દુ યુવાનની અંતિમ વિધિ સિદસર ગામે કરવામાં આવી હતી. મૃતકોને ભાવનગર લવાયા ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા.(તસ્વીર : અહેવાલ મેઘના વિપુલ, હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૧૭: ભાવનગરનાં ૬ અને વરતેજના એક સાથે ર જનાઝા નીકળતા ગમગીની છવાઇ ગઇ છે. ગઇકાલે તારાપુર પાસે સર્જાયેલ અકસ્માતમાં ૯ના મોત થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનાર કારચાલક મુસ્તુફાભાઇ રહીમભાઇ ડેરીયાએ અકસ્માતની પૂર્વ સંધ્યાએ કાર ચલાવતી સમયે બનાવેલો વીડીયો પોતાના મિત્રોને મોકલ્યો હતો, જે વીડીયો વાયરલ થયો છે., જેમાં કારચાલક તેમજ કારમાં સવાર અન્ય લોકો પણ જોઇ શકાય છે.

આણંદ-તારાપુર હાઇવે પર ઇન્દ્રાજ નજીક વહેલા પરોઢિયે કાળ બનીને આવેલા ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ૬ સભ્યો, પતિ-પત્ની, અને પુત્રી, સાળો તેમના પત્ની અને પુત્ર સહિત અન્ય ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે, જયારે એક જ પરિવારના ૬ સભ્યો મોતને ભેટતાં તેમના પરિવારમાં હવે માત્ર એક જ ૭પ વર્ષીય વૃધ્ધ જ બચ્યાં છે. ભાવનગરમાં હવે વૃધ્ધની ઘડપણની લાકડી બને એવું પરિવારમાંથી કોઇ બચ્યંુ નથી.

આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગરના અજમેરી પરિવારની ઈકો કારને અકસ્માત નડ્યો હતો. ટ્રક સાથે ઇકો કાર અથડાતાં અજમેરી પરિવારના  ૮ સભ્યોના મોત થયા હતા. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા ૯ મૃતકોની એક સાથે અંતિમ યાત્રા  નીકળી હતી.

તારાપુરના ઇન્દ્રણજ પાસે થયેલ અકસ્માતમાં મોતને ભેટેલો અજમેરી પરિવાર સામાજિક કામે અર્થે સુરત ગયો હતો. મુસ્તુફ ડરૈયાના લગ્ન માટે છોકરી જોવા ગયા હતા. સુરતથી ભાવનગર પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો. જેમાં ૫ પુરુષ, ૨ મહિલા અને ૨ બાળક સહિત ૯ ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ભાવનગરના વરતેજના વતની સીરાજભાઈ જમાલભાઈ અજમેરી ગાદલાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેમનો આખો પરિવાર મોતને ભેટ્યો છે. તમામ લોકો વરતેજ, આદમજીનગર, ઈન્દીરાનગરના વતની છે. તો ડ્રાઈવર રાઘવ ગોહીલનું પણ મોત નિપજ્યું છે.

ત્યારે આ અકસ્માતમાં મોતને ભેટનાર લોકોના મૃતદેહોને ભાવનગર નજીકના તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ મૃતકોની એક સાથે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. તમામની ધાર્મિક રીતિરિવાજ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી. ૨ માસૂમ બાળકો સહિત ૮ મરહૂમના જનાજા નીકળતાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

આ બનાવથી ભાવનગર મુસ્લીમ સમાજનાં આગેવાનો, પૂર્વ નગર સેવકો ઇકબાલ આરબ, કાળુભાઇ બેલીમ, સાજીદ  કાજી, શબીર ખલાણી, સલીમ શેખ, મુસ્તુફા ખોખર, અનવરખાન પઠાણ સહિતનાઓએ શોકની લાગણી વ્યકત કરી. મરર્હુમોને જન્નતે ફિરદોષમાં આલા મુકામ ફરમાવે તેવી દુવા કરી મરર્હુમોનાં પરીવારજનોને સરકાર દ્વારા તાત્કાલીક અસરથી આર્થિક નાણાંકીય સહાય મળે તેવી સરકારમાં રજૂઆતો કરી હતી. રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહીલને રજૂઆતો કરી છે.

(11:39 am IST)