Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વાંકાનેર તાલુકા સેવા સદનમાં મીટીંગમાં રોડ મુદ્દે રજૂઆત બાદ તાત્કાલીક નિરાકરણ લાવવા સાંસદનો આદેશ

વાંકાનેર, તા. ૧૭ :. ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) દ્વારા મીટીંગ વાંકાનેર ખાતે તાલુકા સેવા સદનમાં યોજાઈ હતી. જેમા ગત સપ્ટેમ્બર ૨૦૨૦ના મળેલ બેન્કની કાર્યવાહી નોંધ તથા હાલ આ કમિટી હેઠળ મોરબી જીલ્લાના જુદા જુદા વિભાગોની યોજનાઓની ભૌતિક અને નાણાકીય સમીક્ષા કરાઈ હતી અને સંબંધિતોને સાંસદ અને કલેકટર શ્રી દ્વારા પ્રશ્નોના નિકાલ કરાયા હતા. બાકી રહેલા જીલ્લાના પ્રશ્નો જેવા કે રસ્તા, તળાવો, પાણી, આરોગ્ય, વિજળી, સમાજ કલ્યાણ, વિકસતી જાતિના પ્લોટની વગેરે બાબતોને અમલમાં લેવા સૂચનો-આદેશો કરાયા હતા.

વાંકાનેરના સામાજિક અગ્રણી મહંમદભાઈ રાઠોડે રજુઆત કરી હતી કે વાંકાનેર સ્ટેચ્યુ (વિવેકાનંદ-રાજકોટ રોડ)થી પતાળીયા રોડ એટલે કે રાજકોટ રોડ બિસ્માર હાલતમાં હોય, જે અડધા કિ.મી.ના રોડને તાત્કાલિક નવો બનાવવો જે રજૂઆતના અનુસંધાને સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કલેકટર દ્વારા રોડ અને રસ્તા વિભાગના એન્જીનીયરશ્રી ચૌધરીને આ રસ્તાનું કામ તાત્કાલિક કરવા સૂચનાઓ આપી હતી અને વાંકાનેર તેમજ અન્ય શાળાઓમાં મધ્યાહન ભોજન તથા વિદ્યાર્થીઓની પુરતી દેખભાળ રાખવા શિક્ષણ વિભાગને સ્થળ પર સૂચના આપવામાં આવેલી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા) દ્વારા સરકારશ્રીની જે યોજનાઓનું જીલ્લાની વિવિધ એજન્સીઓ-કચેરીઓ - અધિકારીશ્રીઓ મારફતે અમલીકરણ થાય છે તે યોજનાઓના નામો આ મુજબ છે. (૧) પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), (૨) સ્વસ્છ ભારત મીશન યોજના (ગ્રામીણ), (૩) મહાત્મા ગાંધી મનરેગા યોજના, (૪) એન.આર.એલ.એમ. યોજના (મીશન મંગલમ), (૫) શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મીશન યોજના, (૬) પ્રધાનમંત્રી સડક યોજના, (૭) પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), (૮) સ્વચ્છ ભારત મીશન યોજના (શહેરી), (૯) અટલ મિશન રીજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, (૧૦) જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો યોજના), (૧૧) પીએમકેએસવાય યોજના, (૧૨) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, (૧૩) નેશનલ હેલ્થ મિશન, (૧૪) સર્વશિક્ષા અભિયાન, (૧૫) સંકલીત બાળ વિકાસ યોજના, (૧૬) મધ્યાહન ભોજન યોજના, (૧૭) જળમાર્ગ વિકાસ પ્રોજેકટ, (૧૮) પ્રધાનમંત્રી કૌશલ યોજના, (૧૯) ડીઝીટલ ઈન્ડીયા પબ્લિક ઈન્ટરનેટ પ્રોગ્રામ, (૨૦) ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન, (૨૧) પ્રાદેશિક વાહન વ્યવહાર તથા (૨૨) સમાજ સુરક્ષા વિભાગનો સમાવેશ થાય છે.

(10:20 am IST)