Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

તળાજાના ગોપનાથ જીનિંગ બંધ ફેકટરીમાં રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે આગ ભભૂકતા મશીનરી, ૨૫૦ ગાસડીઓ આગની લપેટમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭ : ભાવનગર જિલ્લાના તળાજા મહુવા રોડ પર આવેલ જીનિંગ ફેકટરીમાં ગતરાત્રે અકસ્માતે આગ ભભૂકી હતી.પવનના સુસવાટાને લઈ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું.તળાજા પાલિકાના ફાયર વિભાગ અને ફેકટરીમાં સંચાલકો, મજૂરો દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથધરી હતી.જે ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

તળાજા પોલીસ મથકમાં ગોપનાથ જીનિંગ ફેકટરીના માલિક જશુભાઈ આહીર એ નોંધાવેલ વિગત મુજબ મહુવા રોડપર આવેલ ફેકટરીમાં રાત્રીના આશરે ત્રણેક વાગે આગ લાગી હતી.જે સમયે આગ લાગી તે સમયે ફેકટરી બંધ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કાર્યબાદ ખબર પડતાં આગને ઓલાવવા તળાજા પાલિકા સંચાલિત ફાયર ને જાણ કરતા બે વાહનો સાથે ફાયર ટીમ દોડી ગઈ હતી.

જશુભાઈ આહીર એ જણાવ્યું હતુંકે આગ એટલી વિકરાળ બની હતી કે સાડાચારેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.ફેકટરી બંધ હોવા છતાંય આગ કેમ લાગી તે માટે સંબધિત તંત્ર દ્વારા તપાસ હાથધરવામાં આવશે.આગમાં ત્રણસોથી વધુ ગાંસડી અને ફેકટરીની સાધન સામગ્રી લપેટમાં આવી જતા આશરે સીતેરેક લાખનું નુકશાન થયાનું પોલિસને જણાવ્યું હતું.

(10:18 am IST)