Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ઉપલેટાના કોલકીમાં કપાસ ખરીદી કેન્દ્ર શરૂ થવા છતા ખેડૂતોના આંટા ફેરા વધ્યા

ખેડૂતોને સુવિધાને દુવિધા સાથે પડ્યા પર પાટુ જેવો ઘાટઃ કોલકીમાં નોંધણી કરાવી ઉપલેટા વેંચાણ અર્થે આવેલા માલ રીજેકટ કરાયા છેઃ ખેડૂતોએ કપાસ ખરીદીમાં મામકાવાદ અપનવાવ્યો હોવાની પણ ફરીયાદ કરી

ઉપલેટા,તા.૧૭ :  ઉપલેટા તાલુકાના કોલકી ગામે તા. ૦૧-૦૫-૨૦૨૦ ના રોજ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા સીસીઆઈ નુ કપાસ ખરીદી કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું. આ સીસીઆઈ કેન્દ્રમાં ખેડૂતોને પોતાનો કપાસ વેંચવો હોય તેમણે અહીં ખેડૂતોને સૌપ્રથમ આ ખરીદી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડે અને ત્યાર બાદ જયારે તેમનો વારો આવે ત્યારે કપાસ લઈને આ ખરીદ કેન્દ્ર ખાતે આવવાનું રહેતુ. પરંતુ થોડાક દિવસો બાદ તેમાં ફેરફાર કરી પહેલાં નોધણી માટે ખરીદી કેન્દ્ર કોલકી ખાતે આવવું પડે. ત્યારબાદ નોંધણી થયેલો માલ લઈને ઉપલેટા માર્કેટીંગ યાર્ડ ખાતે જવું પડે અને આ પસંદ થયેલા કપાસને ફરી લઈને કોલકી જવું પડે છે જેથી આ ખેડૂતોને ડબલ ભાડા અને ડબલ મજૂરી ચૂકવવી પડે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આટલી મજૂરી ચૂકવવા છતાં પણ અમુક ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે કે જયારે માર્કેટીંગ યાર્ડમાંથી કપાસની પસંદગી કરી લેવામાં આવે છે અને કોલકી લઈને આવે છે ત્યારે અહીંથી માલ રિજેકટ થાય છે અને આમા પણ મામકાવાદ ચાલે છે તેવો ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. ઉપરાંત આ ખેડૂતોનો રીજેકટ થયેલ માલ ફરી ભાડા ચૂકવીને પોતાના ગામ ફરી આ કપાસનો માલ લઈને જવો પડે છે અને ફરી પાછી આ જ પ્રક્રિયા કરવી પડે છે. આ ખેડૂતોએ વધુમાં એવી પણ સમસ્યા જણાવી રહ્યા હતા કે જો કોઈ ખેડૂતોને એક કરતા વધારે ખાતા હોય તો તેમને દરેક ખાતા દીઠ અલગ - અલગ વાહન લઈને આવવું પડશે તેવું પણ અહીંના અધિકારીઓ ખેડૂતોને જણાવી રહ્યા છે જેથી આ ખેડૂતોને માલ પરિવહનનો પણ બોજો વધી રહ્યો છે અને ઉપલેટા અને કોલકી બંને વચ્ચે પરિવહનમાં આકરા ભાડા પણ આ ખેડૂતો હાલ ચૂકવી રહ્યા છે. આ કપાસ ખરીદી કેન્દ્ર જયારે શરૂ થયું ત્યારે સંપૂર્ણ કામગીરી વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ ચાલી રહી હતી તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે પરંતુ જયારથી આ પ્રક્રિયામાં માર્કેટિંગ યાર્ડને સામેલ કરાય છે ત્યારથી ખેડૂતોની તકલીફો પણ વધી છે અને ભડાઓ પણ વધી રહ્યા છે એક તરફ બધા ખેડૂતોનેઙ્ગ આર્થીકઙ્ગ સ્થિતિ સારી ન હોવાને કારણે ખેડૂતો કપાસને વેંચવા માટે આવી રહ્યા છે ત્યારે આ ખેડૂતોને કોલકી થી ઉપલેટા અને ઉપલેટા થી કોલકીના ધક્કાઓ થઇ રહ્યા છે. એક તરફ ચોમાસાની સ્થિતિમાં ખેડૂતો મુસીબત વેઠીને આ કપાસને વેંચવા માટે આવી રહ્યા છે અને બીજી તરફ વાવણીનો પણ હાલ સમય ચાલી રહ્યો છે ત્યારે આ ખેડૂતો ચિંતાતુર બન્યા છે કે વાવણી કરવી કે પછી આ કપાસ વેચવો ? આવી સમસ્યાની વચ્ચેની આ બધી માયાજાળમાં આ ખેડૂતોની સ્થિતિ હાલ ફૂટબોલ જેવી થઈ રહી છે જેથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડ અને કોલકી કેન્દ્ર વચ્ચે ફૂટબોલની જેમ આમ થી તેમ ફંગોળાઈ રહ્યા હોય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ આ જગતના તાત એવા ખેડૂતોને મુશ્કેલીઓ સાથે તકલીફો પણ વેઠવી પડી રહી છે જેથી આ ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે સરકાર આ તમામ કામગીરી યોગ્ય અને ઝડપી  સંતોષકારક બનાવે અને જેમ ફૂટબોલની જેમ આમ તેમ ફંગોળાઈ રહ્યા છે તે બંધ કરાવે અને અમારી યોગ્ય મદદ સરકાર કરે તેવી આ ખેડૂતો માગ કરી રહ્યા છે.(૨૫.૫)

(11:27 am IST)