Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજકોટ પાસેના ભૂપગઢમાં કોરોનાનો પ્રથમ કેસ

૪ દિવસ પહેલા સુરતથી આવેલા મહેમાનોના કારણે ચેપ લાગ્યાનું ડોકટરોનું તારણ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર આવેલા રાજકોટ નજીકના ભૂપગઢમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નજીકના ભૂપગઢમાં રહેતા નરેન્દ્રભાઇ ગોહેલ (ઉ.વ.૩૬)ને કોરોનાના લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલો લઇને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમો ભૂપગઢ દોડી ગઇ હતી અને પરિવારના અન્ય સભ્યોનું મેડિકલ ચેકઅપ તથા સેનેટાઇઝર છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ નરેન્દ્રભાઇ ગોહેલ બહારગામ ગયા ન હતા પરંતુ ૪ દિવસ પહેલા તેમના ઘરે સુરતથી મહેમાન આવ્યા હતા તેના કારણે કોરોના થયાનું ડોકટરોએ જણાવ્યું છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ૪ સભ્યોને સમરસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને બફરઝોન જાહેર કરવા કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.

ભૂપગઢના એક કેસ સાથે જિલ્લામાં ૫૪ સહિત ૧૭૩ કોરોના પોઝિટિવ કેસ થયા છે.

(11:25 am IST)