Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "તૌકતે" વાવાઝોડાના પગલે સાવચેતી કેળવવા તંત્ર દ્વારા લોકોને અપીલ

દેવભૂમિ દ્વારકા : "તૌકતે" વાવાઝોડા સંદર્ભે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી કાલે સોમવારથી બુધવાર સુધીના આ સમયગાળામાં આ વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાવાની સંભાવના છે. આ દિવસોમાં વાવાઝોડાની ઝડપ વધીને 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી થવાની આગાહી સાથે ભારે વરસાદની પણ પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

   આ પરિસ્થિતિમાં લોકોને હાલાકી ન સર્જાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાજોગ એક યાદી પ્રસિઘ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર વાવાઝોડાની પરિસ્થિતિમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, ખાવા-પીવાની વસ્તુઓ, જરૂરી દવાઓ, ફાનસ- ટોર્ચ વિગેરે ચીજ વસ્તુઓ હાથવગી રાખવા તથા વાવાઝોડા દરમિયાન ઘરના બારી- દરવાજા બંધ રાખવા, અગરીયાઓએ સલામત સ્થળે આશરો લેવા, ઝાડ કે જૂના જર્જરિત મકાન અને વીજ થાંભલાઓથી દૂર રહેવા, પૂરગ્રસ્ત વિસ્તારોથી પૂરતું અંતર રાખવા અને સલામત સ્થળે આશરો લેવા અનુરોધ કરાયો છે.

   વાવાઝોડાના કઠિન સમયગાળા દરમિયાન રેડિયો-ટીવી, સમાચાર પત્રો મારફતે સાચી માહિતી મેળવતા રહેવા અને સરકારી તંત્રને સહકાર આપી,  સુચના મુજબ અનુસાર વધુમાં જણાવાયું છે.
   આ ઉપરાંત જરૂર પડ્યે આપાતકાલીન સમયમાં જિલ્લાના કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમના ફોન નંબર 02833-232125/232084, તેમજ ટોલ ફ્રી નંબર 1077 ઉપર અથવા જિલ્લાના પોલીસ કંટ્રોલરૂમના ફોન નંબર 02833-232002 ઉપર સંપર્ક સાધવા નિવાસી અધિક કલેકટર કે.એમ. જાનીની એક યાદીમાં જણાવાયું છે.

(12:08 am IST)