Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

માલીયાસણની કિંમતી જમીન અંગે સાટાખત કર્યા બાદ બીજાને વેચી નાખતા રેવન્યુ એન્ટ્રી રદ કરવા મામલતદારનો હુકમ

સાટાખત અને સમજુતિ કરાર અમલમાં હોય અન્યને જમીન વેચી ન શકાયઃ એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા અને રાજેન્દ્રસિંહ એચ. ઝાલાની દલીલો માન્ય રખાઇ

રાજકોટ તા. ૧૭ :.. તાલુકાના માલીયાસણ ગામની કિંમતી જમીન અંગે સાટાખત તથા સમજુતિ કરાર કર્યા બાદ અન્યને વેચી નાખવાના કિસ્સાના તકરારી કેસમાં તાલુકા મામલતદારે જમીન ખરીદનારની રેવન્યુ એન્ટ્રી રદ કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, માલીયાસણના રે.સ. નં. ૩૩૭/૭ પૈકી ર ની હે. આરે. ર-૦ર-૩૪ ચો. મી. ની ખેડવાણ જમીન સ્વ. રાજેન્દ્રકુંવરબા મદારસિંહ જાડેજાના વારસદારો શ્રી ભવાનસિંહ પ્રતાપસિંહ ઝાલા વિગેરેને વારસાઇ હકકથી પ્રાપ્ત થયા બાદ તેઓએ શ્રી અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહ જાડેજાને કુલમુખત્યારનામું આપ્યું હતું. તેઓએ સદરહું જમીન રાજેશભાઇ સુંદરજીભાઇ ગોહેલને વેચાણ દસ્તાવેજ તા. ૧પ-૭-ર૦૦૮ ના રોજ કરી આપેલ. આ પૂર્વે રાજેશ સુંદરજીભાઇએ ભનુભાઇ હિરાભાઇ બોરીચાને તા. ૧પ-પ-ર૦૦૮ ના રોજ સદરહું જમીન રૂપિયા એક કરોડ એકાવન લાખ પુરામાં  વેચાણ કરવા અંગે નોટરાઇઝડ સાટાખતની રૂએ સાટાખત કરી આપેલ હતું.

ત્યારબાદ ભનુભાઇ બોરીચાએ અલગ  -અલગ વિશેષ અવેજની પહોંચથી રાજેશ સુંદરજીભાઇને રકમ ચુકવેલ હતી. રાજેશ સુંદરજીભાઇએ જમીનના મુળ માલીકો પાસે કરાવેલ તેમના નામ જોગના સાટાખત કરારમાં તેમને જે હકકો પ્રાપ્ત થયેલ છે તે તમામ હકકો સાથે ભનુભાઇ બોરીચાને પ્રાપ્ત થાય છે. તેવું સાટાખતની રૂએ સાટાખત અને દસ્તાવેજ કરવવા અંગે સમજુતિ કરાર પણ કરી આપેલ હતો.

સાટાખતની રૂએ સાટાખત અને સમજુતિ કરાર અમલમાં હોવા છતાં રાજેશ સુંદરજીભાઇ ગોહેલે સદરહુ જમીન ભનુભાઇ બોરીચાને વેચવાને બદલે રસીલાબેન કમલેશભાઇ રામાણીને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો અને તે અંગેની રેવન્યુ નોંધ કરાવવાની કાર્યવાહી કરતાં ભનુભાઇ બોરીચાએ રેવન્યુ નોંધ પ્રમાણીત કરવા સામે વાંધા અરજી આપેલ હતી. આ વાંધા અરજી અન્વયે તાલુકા મામલતદારે તકરારી કેસ રજીસ્ટરે લઇ ચલાવતાં ભનુભાઇ બોરીચા વતી એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા અને રાજેન્દ્રસિંહ એચ. ઝાલાએ દલીલો કરતાં જણાવેલ કે, સદરહું જમીનના મુળ માલીક તથા રાજેશ સુંદરજીભાઇએ ભનુભાઇ બોરીચાને સાટાખત કરાર તથા સમજુતિ કરાર તેઓને મળેલ હકકો તથા અધિકાર મુજબ લખી આપેલ હોય તેમજ વિશેષ અવેજની પહોંચ લખી આપેલ હોય ત્યારે ભનુભાઇ બોરીચાનો હકક, હિત, હિસ્સો તથા લાગભાગ સદરહું ખેતી જમીનમાં સમાયેલ હોવા છતાં રસીલાબેન કમલેશભાઇ રામાણીને સદરહું જમીન વેંચી નાખી સાટાખત તથા સમજૂતી કરારનો ભંગ કરેલ હોય સદરહું રેવન્યુ એન્ટ્રી નામંજૂર કરવા રજૂઆત કરતા મામલતદારએ આ દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇ રસીલાબેન કમલેશભાઇ રામાણીના નામ જોગની રેવન્યુ એન્ટ્રી ના મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં ભનુભાઇ બોરીચા વતી સીવીલ અને રેવન્યુ ક્ષેત્રના જાણકાર એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ. ઝાલા રોકાયેલ હતાં.

(11:56 am IST)