Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જસદણ વોર્ડ નં. ૫ માં ૫ મહિના પહેલા શરૂ કરાયેલ ડામર રોડનું કામ હજુ પુરૂ ન થતા રોષ

લતાવાસીઓ દ્વારા પાલિકા તંત્રને આવેદન

આટકોટ તા. ૧૭ :.. જસદણ પાલિકા દ્વારા વોર્ડ નં. પ માં શકિતનગર ખાતે પાંચ મહિના પહેલા શરૂ કરવામાં આવેલ ડામર રોડનું નાનુ કામ હજુ પુરૂ થયુ ન હોય લતાવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ અંગે વોર્ડ નં. પ ના શકિતનગર સોસાયટીના રહીશો વિજય મહેતા, હિતેશ તન્ના, છાયાણી હિતેશ, તન્ના રાજેશ, સેજપાલ કંદર્પ સહિતાઓએ પાલિકાને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યુ છે કે ડીસેમ્બર ર૦૧૮ માં અમારા વિસ્તારમાં ડામર કામ ચાલુ કરવામાં આવ્યુ છે જે પાંચ મહિના જેટલો સમય વિતવા છતાં હજૂ પુર્ણ થયુ નથી.

કામ અધુરૂ હોય વાહનો પણ બીજે પાર્ક કરવા પડે છે. ઉપરાંત વડીલોને પણ ચાલવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોય તાત્કાલીક કામ પુરૂ કરવા માંગ કરી છે. ગત તા. ૯ ના રોજ પાલિકા કચેરીએ રૂબરૂ આવેદન પત્ર આપ્યા બાદ અધિકારીએ ત્રણ દિવસમાં ત્યાં સ્થળ તપાસ કરી યોગ્ય  કરવાની બાંહેધરી આપ્યા બાદ હજુ સુધી કોઇ ફરકયુ પણ ન હોય લતાવાસીઓમાં ભારે રોષ છવાઇ જવા પામ્યો છે.

આ અંગે જો તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

(11:53 am IST)