Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

છાત્રાલયમાં જયાં મુકામ હતો ત્‍યાં પહોંચવા દોઢ કી.મી.નું અંતર બાકી હતું ત્‍યાંજ બન્‍ને શિક્ષકોને કાળ ભેટી ગયો !!!

આહિર ભરતભાઇ બંધીયા રર દિ' પહેલાં જ પિતા બન્‍યા હતાઃ વિપ્ર રાજુભાઇ ર૦ વર્ષથી લાંબાના દાનેવ છાત્રાલયમાં કાર્યરત હતાઃ ખંભાળીયા પંથકમાં અરેરાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭: કલ્‍યાણપુર તાલુકાના લાંબાની દાનેવ શાળાના શિક્ષકો ગઇકાલે રાત્રે પોરબંદરના વિસાવાડામાં એક ધાર્મિક કાર્યક્રમ હોય ચાર બાઇક લઇને આઠ શિક્ષકો ત્‍યાં ગયા હતા.

રાત્રે ત્રણેક વાગ્‍યે કાર્યક્રમ પુરો કરીને પરત લાંબા વળતા હતા ત્‍યારે લાંબાની ગોળાઇમાં બાયપાસ પાસે સામે રોંગ સાઇડમાં આવતી એક જીપ કંપનીની કાર વાળાએ ઠોકર મારી હતી.

મૂળ ભાવનગરના તથા દાનેવ શાળાના ગણિતના શિક્ષક ભરતભાઇ બંધીયા ઉ. ૩ર વાળા બાઇક ચલાવતા હતા તેમને કારે હડફેટે લેતા તેમનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્‍થળે જ મૃત્‍યુ નિપજયું હતું જયારે પાછળ બેઠેલા તથા ખંભાળીયામાં હરસિધ્‍ધી નગરમાં રહેતા રાજેશભાઇ આરંભડીયા નામના ૪૮ વર્ષના વિપ્રને માથામાં ગંભીર ઇજા થતાં ૧૦૮ દ્વારા તુરત જ પોરબંદર ખસેડાયા હતા જયાં સારવાર દરમ્‍યાન મૃત્‍યુ નિપજયું હતું.

દાનેવ વિદ્યાલય લાંબાની શાળામાં શિક્ષકો ગઇકાલે રાત્રે વિસાવાડામાં કાર્યક્રમ હોય તથા આજે રામનવમીની રજા હોય મોડે સુધી કાર્યક્રમમાં જોઇશું તેમ માનીને આઠ શિક્ષકો ગયા હતા પણ પરત માત્ર છજ આવી શકયા!!

મૃતક રાજુભાઇ આરંભડીયા માધ્‍યમિક વિભાગમાં આચાર્ય તરીકે વીસ વર્ષોથી કામ કરતા હતા તથા ખંભાળીયાના હરસિધ્‍ધિ નગરમાં રહેતા હતા તથા દાનેવ શાળા છાત્રાલયમાંજ રહેતા હતા તેમનો પુત્ર ધો. ૧રમાં અભ્‍યાસ કરે છે તથા નાની દીકરી ધો. ૮ માં ભણે છે. આ વિપ્ર પરિવારનો આધાર છીનવાઇ ગયો છે.

મૃતક ભરતભાઇ બંધીયા ૩ર વર્ષના યુવાન આહિર જ્ઞાતિના હતા તથા બનાવની કરૂણતા છે કે હજુ બાવીસેક દિવસ પહેલાજ તેઓ એક પૂત્રના પિતા બન્‍યા હતા અને યમરાજા તેમને તેડી ગયા!!

બનાવની જાણ થતાં દાનેવી શાળાના ટ્રસ્‍ટી તથા આહિર આગેવાન રામભાઇ ચાવડા તથા આગેવાનો પોરબંદર હોસ્‍પિટલે દોડી ગયા હતા તથા મૃતકની અંતિમવિધિ માટે મૃતદેહોને ખંભાળિયા-ભાવનગર પહોંચાડવા વ્‍યવસ્‍થા કરાવી હતી.

દોઢ કિ.મી. પહોંચવાનું

બાકી હતું ને કાળ આવ્‍યો!!

વિસાવાડાથી લાંબા જવા નીકળેલા શિક્ષકો દાનેવ શાળા છાત્રાલયમાં જયાં તેમનો મુકામ હતો ત્‍યાં પહોંચવાને માત્ર દોઢ કિ.મી. જ અંતર કાપવાનું બાકી હતું ત્‍યાં જીપકારનો કાળ ત્રાટકયો અને તેમનો મુકામ બાજુ પર રહી ગયો અને જીવનનો અંતિમ મુકામ થઇ ગયો!!

(2:00 pm IST)