Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્‍તારમાં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પર્વ પર મહાઆરતી કરાઈ

વિશ્વ વિખ્‍યાત સુપ્રસિધ્‍ધ બાલા હનુમાનજી મંદિરમાં પણ રામનવમી નિમિત્તે મહાઆરતી-ધ્‍વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જામનગર ,તા.૧૭ : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પાવન કારી પર્વને લઇને બપોરે ૧૨.૦૦ વાગ્‍યે મહાઆરતી કરવામાં આવી હતી, અને ધ્‍વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

 લોહાણા જ્ઞાતિના પ્રમુખ   જીતુભાઈ લાલ ની આગેવાની હેઠળ તેમજ લોહાણા જ્ઞાતિ ના અન્‍ય હોદ્દેદારો તથા અન્‍ય રામ ભક્‍તો શૈલેષભાઈ જશવંતરાય વસંત અને નિકિતાબેન શૈલેષભાઈ વસંત, આષિત હર્ષવર્ધનભાઈ બડીયાણી અને શીતલબેન આશિતભાઈ બદીયાણી, હિતેશભાઈ કાનજીભાઈ મોદી અને લીનાબેન હિતેશભાઈ મોદી, અતુલભાઇ મગનલાલ પોપટ અને દિવ્‍યાબેન અતૂલભાઈ પોપટ વગેરે દ્વારા મહા આરતી તેમજ ધ્‍વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આ મહા આરતી સમયે શહેરના અનેક રામ ભક્‍તો હાજર રહ્યા હતા, અને પ્રભુ રામચંદ્રજીની પૂજા-અર્ચના કરાઇ હતી.ઉપરાંત રામ ભક્‍તો દ્વારા અવિરત રામ ધૂન બોલાવાઈ હતી.

 આ ઉપરાંત ગીનેશ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન પામેલા શ્રી બાલા હનુમાનજી મંદિરમાં પણ રામ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ રામચંદ્રજી ની મહા આરતી કરાઈ હતી, અને રામધૂન બોલાવાઈ હતી. સાથોસાથ બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્‍ટના પ્રમુખ જીતુભાઈ લાલ અન્‍ય હોદ્દેદારો વિનુભાઈ તન્ના તથા અન્‍ય ટ્રસ્‍ટી ગણ વગેરે દ્વારા ધ્‍વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.  જ્‍યારે મંદિર પરિસરમાં ચાલી રહેલી ‘‘શ્રી રામ જય રામ જય જય રામ''ની અખંડ રામધૂનમાં બહોળી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા, અને અખંડ રામ નામ ના જાપથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્‍યું હતું.

(1:55 pm IST)