Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલાની મુલાકાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર

નિર્માણાધીન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયની સમીક્ષા કરી.

રાજકોટ તા.૧૭ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર)ની ગુજરાત સરકારના શહેરી વિકાસ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંસ્કૃતિ-સાહિત્ય-કલા-પ્રેમી અગ્રસચિવ અશ્વિની કુમાર (આઈએએસ)એ મુલાકાત લીધી હતી. 5000 ચો. મી. પરિસરમાં ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ. 29.51 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ. 5 કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થઈ રહ્યું છે. આ બન્ને નિર્માણાધિન ઈમારતોનું નિરીક્ષણ અને સમીક્ષા કરીને અગ્રસચિવ અશ્વિની કુમાર (આઈએએસ)એ સંતોષ વ્યક્ત કર્યો હતો. તમામ સહયોગ-સહકારની ખાત્રી પણ આપી હતી.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા (આઈએએસ), પુરાતત્વ અને સંગ્રહાલયના નિયામક ડૉ. પંકજભાઈ શર્મા, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ-ભાવનગર) લલિતભાઈ મોઢ, ચોટીલા મામલતદાર વી. એમ. પટેલ, અગ્રણી મુકેશભાઈ શાહ, વિશ્વ હિંદુ પરિષદના ભરતસિંહ ડાભી, પુરાતત્વ અને સંગ્રહાલયના નિયામકની કચેરીના ઈજનેર ભારતભાઈ શાહ, ઈ એન્ડ વાયના હરીશસિંહ અને રાજવીરભાઈ ચૌધરી, વામા કોમ્યુનિકેશન્સના સંજયભાઈ પટેલ અને ગોવિંદભાઈ પટેલ, પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી IRCLASS સિસ્ટમ એન્ડ સોલ્યુશનના જશપાલસિંહ ઝાલા અને ફઝલભાઈ ચાવડા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ વિમલભાઈ ગોસ્વામી, અનિશભાઈ લાલાણી અને રિંકલબેન કચ્છી સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકોની ઉપસ્થિતિ રહી હતી.

વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેવી અગ્રસચિવ અશ્વિની કુમાર (આઈએએસ)એ લાગણીભેર અંજલિ અર્પી હતી.   

અગ્રસચિવ અશ્વિનીકુમાર (આઈએએસ)નું અભિવાદન કરીને એમને પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન- મો. 9825021279)

(9:27 am IST)