Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૫,૬૭૬ જેટલા નવા યુવા મતદારો પ્રથમ વખત કરશે મતદાન: યુવાઓને પ્રોત્સાહિત કરવા જિલ્લામાં એક યુથ મતદાન મથક પણ તૈયાર કરાશે

યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે જુદી જુદી કોલેજમાં યોજાઈ રહ્યા છે ‘મતદાન જાગૃતિ કાર્યક્રમ’:અમે યુવા છીએ તૈયાર, બનીશું ભારતના મતદાર’;મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લેતાં યુવા મતદારો

 સુરેન્દ્રનગર:આગામી લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન તળે ‘સ્વીપ’ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા કોલેજોમાં જઈ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

જેમાં ૬૧ - લીંબડી વિધાનસભા મતવિસ્તારનાં યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે સખીદા આર્ટ્સ કોલેજ, લીંબડી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે મામલતદાર કે.ડી.સોલંકીની ઉપસ્થિતિમાં દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત યુવાઓ સહીત કોલેજના સ્ટાફને સપરિવાર અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

૬૨-વઢવાણ વિધાનસભા મતવિસ્તારનાં ફુલગ્રામમાં સૌ પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોને સ્થાનિક બુથ લેવલ ઓફિસર વિજયભાઈ ત્રિવેદી દ્વારા લોકશાહીમાં ચૂંટણી, મત અને મતદાનની મહત્તા સમજાવવામાં આવી હતી. તેમજ મતદાનની કાર્યવાહી, ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, જુદી જુદી એપ્લિકેશન સહીત ચૂંટણીલક્ષી તમામ બાબતોની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોઓએ દેશહિતમાં ‘અમે યુવા છીએ તૈયાર, બનીશું ભારતના મતદાર’ એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૫,૬૭૬ જેટલા નવા નોંધાયેલા યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરી દેશના આ મહાપર્વમાં સહભાગી થશે. તદુપરાંત યુવાઓને પ્રોત્સાહિત કરવા જિલ્લામાં એક યુથ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં ચૂંટણી કામગીરીને લગતી તમામ ફરજ બજાવનાર સ્ટાફ યુવા હશે.

(12:43 am IST)