Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પાકિસ્તાન જેલમુકત ૧૦૦ માછીમારો કાલે બપોરે વેરાવળ પહોંચશે

રાજકોટ, તા. ૧૭: પાકિસ્તાન દ્વારા શનિવારના રોજ મુકત કરવામાં આવેલા ૧૦૦ જેટલા માછીમારો આજે અહીં પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાને બંને દેશો વચ્ચે ઉત્પન્ન થયેલા તણાવને દ્યટાડવાને લઈને સદભાવના અંતર્ગત માછીમારોને મુકત કર્યા હતાં. મત્સ્યવિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પૈકી મોટાભાગના માછીમારો ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના નિવાસી છે જે ૧૭ એપ્રિલના રોજ રાત્રે વડોદરા પહોંચશે અને આ માછીમારો બસમાં  કાલે બપોર સુધીમાં વેરાવળ પહોંચશે.

મત્સ્ય આયુકતાલયના ડેપ્યુટી ડિરેકટર પટેલે જણાવ્યું કે ૧૦૦ માછીમારોના એક જથ્થાને શનિવારના રોજ કરાંચીની મલીર જેલમાંથી મુકત કરવામાં આવ્યાં હતાં. વાદ્યા બોર્ડર પર સોમવારે તેમને બીએસએફના હવાલે કરવામાં આવ્યા. આ ૧૦૦ માછીમારો પૈકી ૮૪ ગીર સોમનાથ જિલ્લાના, છ નવસારીના અને એક ભાવનગર તેમ જ ચાર લોકો દમણ અને દીવના અને અન્ય પાંચ પશ્યિમ બંગાળના નિવાસી છે.

મુકત કરવામાં આવેલા માછીમારો ૩૬૦ ભારતીય કેદીઓના બીજા જથ્થાનો ભાગ છે, જેમને પાકિસ્તાને આ મહિને કુલ ચાર ચરણમાં મુકત કરવાનો વાયદો કર્યો છે. પાકિસ્તાને સાત એપ્રિલના રોજ ૧૦૦ ભારતીય માછીમારોના પ્રથમ જથ્થાને મુકત કર્યો હતો. આ લોકોની પાકિસ્તાની સમુદ્રી ક્ષેત્રમાં ગેરકાયદે માછીમારી મામલે ધરપકડ કરવામાં આવી હતી. અન્ય ૧૦૦ લોકોને ૨૨ એપ્રિલ અને બીજા માછીમારોને ૨૯ એપ્રિલના રોજ મુકત કરવામાં આવશે.

(3:52 pm IST)