Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસની સ્થિતિ દયનીયઃ જૂનાગઢ-પોરબંદર બેઠક આંચકાજનક પરિણામો આપે તો નવાઈ નહિઃ ચોરે ને ચૌટે ચર્ચા

લોકપ્રશ્ને ઉણા ઉતરેલા સાંસદોને સૌરાષ્ટ્રના શાણા મતદારો પદાર્થપાઠ ભણાવશે ?

નવાગઢ, તા. ૧૭ :. ભયંકર આશા-નિરાશા, ગમા-અણગમા વચ્ચે લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે. મતદારો દ્વિધામાં છે. તેમના માટે ભાજપ હોય કે કોંગ્રેસ કાગડા બધે કાળા છે. રાજકીય લોકો મતદારોને આકર્ષવા અકલ્પ્ય પ્રલોભનો આપી રહ્યા છે. જ્યારે 'ડુફકીયા' આગેવાનો બન્ને બાજુ ઢોલકી વગાડી રહ્યા છે. આ તમામ 'ખેલ' મતદારો ત્રાંસી આંખ કરીને નિહાળી રહ્યા છે, કારણ ચૂંટણી પાંચ વર્ષે આવનાર એક અવસર છે ને આ પાંચ વર્ષમાં એક મહિના પુરતો જ મતદારોનો ભાવ પૂછવામાં આવે છે. ગુજરાતમાં ૨૩મીએ મતદાન થનાર છે, ત્યારે છેલ્લી ટર્મના સાંસદો બની બેઠેલા જે સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનોએ મતદારોના પ્રશ્નો કરતા સત્તાના સમીકરણોમાં વધુ દિલચશ્પી લીધી હોવાનો રંજ સૌરાષ્ટ્રની 'શાણી' જનતાને થાય તે સ્વભાવિક છે. સૌરાષ્ટ્રની બેઠકો ઉપરની લટારને લોકચર્ચા મુજબ આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ આંચકો સૌરાષ્ટ્ર આપી શકે તેવા એંધાણ મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની ગુજરાતની ૨૬ બેઠકો ફરી વન્સમોર કરવાની મહેચ્છા ઉપર સૌરાષ્ટ્ર 'પાણી' ફેરવી દે તો નવાઈ નહી તેવી ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે. તેમાય ખાસ કરીને જૂનાગઢ બેઠકના સતત લોકોની વચ્ચે રહી કામ કરતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ટીકીટ કન્ફોર્મ થતા ફીર સે ચુડાસમા જ ચૂંટાશે તેવુ વાતાવરણ જામ્યુ હતું, પરંતુ બાદમાં આ મજબુત બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સ્મૃતિ ઈરાનીને ખાસ 'ધક્કો' ખાઈ સભા ગજવી કેમ પડી ? તેવો સવાલ પણ ઉઠયો છે શું જૂનાગઢ બેઠક ઉપરના સ્થાનિક આગેવાનો ઉણા ઉતરી રહ્યા છે ! તેવી અણીયારી ચર્ચા પણ છાનેખૂણે થઈ રહી છે.

આવી સ્થિતિ સૌરાષ્ટ્રની અનેકો બેઠકો ઉપર આગામી દિવસોમાં જોવા મળે તો નવાઈ નહી કારણ સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદનું રાજકારણ સૌથી વધુ મજબુત છે. સૌરાષ્ટ્રના પટેલ મતદારોનો પ્રભાવ ગાંધીનગરની ગાદી ઉપર અચુક પડે છે ને ગાંધીનગરની ગાદી ઉપર સૌરાષ્ટ્રનું નેતૃત્વ લાંબી ઈનીંગ રમે છે. સૌરાષ્ટ્રની બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ બન્નેમાં ટીકીટ વેચણીના વિવાદો ભારે જોવા મળ્યા હતા. તેમા ખાસ કરીને ભાજપે પોરબંદર બેઠક ઉપર નવા ચહેરાને તેમની ધનકુબેરના ને ધ્યાને રાખી ટીકીટ ફાળવી દીધાની પાયાના કાર્યકરોમાં લાગણી પ્રવર્તી રહી છે. જો કે હાઈકમાન્ડ આ વિરોધને 'લાલ' આંખ કરી મહદઅંશે શાંત કરવામાં કામીયાબ થયુ છે ત્યારે હજુ પણ અમુક નારાજ કાર્યકર્તાએ પાર્ટીના 'શિસ્ત'ના ડંડાથી ડરી 'મોઢુ' બગાડી કામ કરતા નજરે ચડી રહ્યા છે.

એકંદરે સૌરાષ્ટ્રની આ બેઠકો ઉપર મુદ્દા વગરના મહાકુંભની તમામ તૈયારી ચરમસીમાએ છે ત્યારે જાને કયા હોગા રામા...

(3:40 pm IST)