Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ટંકારા પંથકમાં જોરદાર પવન સાથે કરા પડતા જીનીંગ ઉદ્યોગને ભારે નુકશાન

ટંકારા, તા. ૧૭ : તાલુકામાં બપોરના સમયે જોરદાર પવન ફૂકાયેલ અને વરસાદ સાથે બરફના કરા પડેલ.આ જોરદાર પવન ટંકારા, લજાઇ, વીરપર, નેકનામ, હમીરપર, મીતાણા, જબલપુર સહિત અનેક ગામોમાં ફૂંકાયેલ અને વરસાદ પડેલ.

ટંકારા તાલુકાના જીનોમાં બહાર ખુલ્લાઓમાં કપાસના ઢગલાઓ પડેલ જે જોરદાર પવન ફૂંકાતા પવન સાથે ઉડી ગયેલ. જયારે બાકીનો કપાસ પલળી ગયેલ છે.

ટંકારાના લક્ષ્મીકાંત કોટન જીનમાંથી કપાસ જોરદાર પવનમાં પવન સાથે ઉડેલ આજુબાજુના ખેતરોમાં કપાસની રૂની સફેદ ચાદર છવાય ગયેલ.

જીનર્સ રૂપસિંહ ઝાલાએ દસેક લાખ રૂ.નું નુકશાન થયાનું જણાવેલ છે. વીમા કંપનીઓને જાણ કરાયેલ છે.

ટંકારામાં જીનીંગ ઉદ્યોગ ફુલેલ ફાલેલ પરંતુ છેલ્લા બે ત્રણ વરસમાં ભાંગી ગયેલ જે બેઠો થઇ રહેલ છે ત્યારે કુદરતી ફટકો પડેલ છે.

બપોરના અચાનક વાતાવરણમાં પલ્ટો લીધેલ. ટંકારા તાલુકાના ટંકારા, લજાઇ, વીરપર, ધુનડા, મીતાણા, હમીરપુર, નેકનામ, જબલપુર, લખધીરગઢ સહિત અનેક ગામોમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડેલ.

વરસાદમાં સોપારીથી મોટી સાઇડના બરફના કરાઓ પડેલ. મીતાણામાં લોકોએ બરફના કરાઓને વાસણમાં ભરેલ.

ગાજવીજ સાથે જોરદાર પવન ફૂંકાયેલ. કલ્યાણાપર રોડ ઉપર વૃક્ષ ધારાશાયી થયેલ, પરંતુ જાનહાની કે ઇજાઓ થયેલ નથી.અચાનક વરસાદથી તાપમાનમાં ઘટાડો થયેલ અને ટાઢક પ્રસરી  હતી.

(11:54 am IST)