Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જેતપુર પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ અને જાતિય શોષણ કરવાના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા

રાજકોટ, તા. ૧૭ : જેતપુર પંથકની સગીર બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવા અંગે તેમજ ધી પ્રોટેકશન ચિલ્ડ્રન હોમ સેકસ્યઅસ ઓફેન્સ એકટ ર૦૧ર હેઠળના પોકસો એકટના ગુનામાં પકડાયેલ ખીરસરા ગામના રાહુલ બાબુભાઇ રાઠોડ સામેનો કેસ ચાલી જતાં રાજકોટ જીલ્લાની સ્પે. અદાલતે આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.

આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી રાહુલ રાઠોડ ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયેલ અને અવાર-નવાર શારીરીક સંબંધ બાંધીને સગીરાને સગર્ભા બનાવી દીધી હતી.

આ બનાવ અંગેનો કેસ સ્પે. કોર્ટમાં શરૂ થતાં સરકારી વકીલ જેતપુરના શ્રી કે.એ. પંડયાએ રજૂઆત કરેલ કે, આરોપી સામેના કેસની હકીકતો અને પુરાવો જોતા ફરીયાદ પક્ષનો કેસ નિશંકપણે સાબીત થતો હોય આરોપીને કસુરવાર ઠરાવીને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સ્પે. જજશ્રી જે.એ. ઠક્કરે આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી, જયારે કલમ ૩૬૩-૩૬૬ હેઠળ પાંચ વર્ષની સજા ફટકારી હતી.

અદાલતે સજા ઉપરાંત આરોપીને દંડ પણ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધુ સજાનો હુકમ કર્યો હતો તેમજ ભોગ બનનારને દંડની રકમમાંથી રૂ. રપ હજાર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે જેતપુરના એ.પી.પી. કે.એ. પંડયા રોકાયા હતાં.

(11:53 am IST)