Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કાલે સાંજે રાહુલ ગાંધી ભુજમાં: પરેશ રાવલ ગ્રામ્યવિસ્તારોમાં સભા ગજવશે

અહેમદભાઇ પટેલ, શંભુનાથજી ટુંડીયા પણ કચ્છને ઘમરોળશેઃ ગરમીનાં કારણે બપોર બાદ આયોજન

ભુજ, તા.૧૭: મોરબી કચ્છ લોકસભા ચૂંટણી જંગમાં મોટા નેતાઓની જાહેરસભાના આયોજનને પગલે સ્થાનિક આગેવાનોની દોડધામ વધી ગઈ છે. કોંગ્રેસ દ્વારા કાલે ગુરુવારે રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાયું છે. 

જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ''અકિલા''ને આપેલી માહિતી અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા આવતીકાલે સાંજે ૪ વાગ્યે ભુજમાં યોજાશે. આ જાહેરસભામાં રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે.

બીજી બાજુ ભાજપ દ્વારા પણ ગુરુવારે પરેશ રાવલની જાહેરસભાઓનું આયોજન કરાયું છે. ભાજપના મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે પરેશ રાવલ ભુજના ગ્રામ્ય વિસ્તારો સુખપર અને માધપરમાં જાહેરસભાને સંબોધન કરશે. આમ, પ્રચાર પ્રસાર બન્ને પક્ષે જોરદાર કરાઈ રહ્યો છે.

જોકે, ગરમીની અસર ના કારણે રાહુલ ગાંધીની સભા સાંજે જયારે પરેશ રાવલની સભા રાત્રે યોજાશે. દરમ્યાન અન્ય નેતાઓમાં કોંગ્રેસના આગેવાન અહેમદ પટેલની ખાવડામાં જાહેરસભાનું આયોજન કરાયું છે. અહેમદભાઇ પટેલ કચ્છના લઘુમતી આગેવાનો સાથે બેઠક પણ કરશે.

 સામે પક્ષે ભાજપે અનુચિતજાતિ સમાજમાં વર્ચસ્વ ધરાવતા દલિત સમાજના મોટા ગજાના નેતા શંભુનાથજી ટૂંડિયાના કચ્છ પ્રવાસનું આયોજન ગોઠવ્યું છે. તેઓ, છેવાડાના વિસ્તાર દયાપર,રવાપર તેમ જ ભુજના સુખપર ગામે જાહેરસભા સંબોધશે.

(11:52 am IST)