Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પોરબંદર બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ચુંટણીખર્ચ ઓછો દર્શાવ્યોઃ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા નોટિસ

પોરબંદર, તા.૧૭: ૧૧ પોરબંદર બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારે ચુંટણી ખર્ચ ઓછો બતાવતા જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર રૂા.૭૦ લાખનો ખર્ચ કરી શકે છે. ચૂંટણીપંચ દ્વારા દરેક ઉમેદવાર માટે આ ખર્ચ મર્યાદા નક્કિ કરવામાં આવી છે. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા પોરબંદર જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા ખર્ચ નિરીક્ષક – મદદનીશ ખર્ચ નીરીક્ષકો તેમજ વિવિધ ટીમની રચના કરી સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

૧૧-પોરબંદર લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલીતભાઇ વસોયા  દ્વારા  ખર્ચ નીરીક્ષક સમક્ષ તેના હિસાબો રજુ કરાતા રૂા.૭,૪૧,૮૬૯/- નો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું. જયારે ચૂંટણીતંત્ર દ્રારા શેડો રજીસ્ટરમાં નોંધાયેલ ખર્ચથી ઉમેદવાર દ્વારા  રજુ થયેલ ખર્ચ રૂા.૧૦,૨૭,૫૫૬ ઓછો છે.

એ જ રીતે ૧૧-પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી રમેશભાઇ ધડુક  દ્વારા  તા.૧૨ એપ્રિલનાં રોજ ખર્ચ નીરીક્ષક સમક્ષ તેના હિસાબો રજુ કરતા રૂા.૩,૯૪,૪૧૩/- નો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું. જયારે ચૂંટણીતંત્ર દ્રારા નિયૂકત ખર્ચ નીરીક્ષકો દ્વારા  શેડો રજીસ્ટરમાં નોંધાયેલ ખર્ચ ઉમેદવાર દ્રારા રજુ થયેલ ખર્ચ કરતા રૂા.૨૪,૫૩,૫૧૬/- ઓછો છે.

કોંગ્રેસનાં ઉમેદવાર દ્રારા રૂા.૧૦,૨૭,૫૫૬ અને ભાજપના ઉમેદવાર  દ્વારા  રૂા.૨૪,૫૩,૫૧૬ ખર્ચ ઓછો દર્શાવતા પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી  દ્વારા  ખર્ચ નીરીક્ષકના ખર્ચના ચકાસણી મુજબ રોજબરોજના હિસાબોમાં શા માટે ખર્ચ ઓછો દર્શાવ્યો છે તેનો ખુલાસો કરવા જણાવી ખુલાસો નહી કરવામાં આવે તો નિયમોનુસારની કાર્યવાહી કરવા નોટીસમાં જણાવાયું છે.

(11:52 am IST)