Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

વરસાદથી ખાલી ખેતરોમાં ફાયદોઃ ખૂલ્લામાં પડેલ ખેત ઉપજને નુકશાનઃ ગિરની કેરી સલામત

અચાનક વાતાવરણ પલટાતા કૃષિ પર સીધી અસરઃ અમૂક જગ્યાએ શાકભાજી બગડયાઃ કેરી મોટા પ્રમાણમાં બજારમાં ઠાલવાશે

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં કુદરતી વાતાવરણ બદલાતા તેની સીધી અસર જનજીવન અને કૃષિક્ષેત્ર પર પડી છે. કયાંક ખેતરોમાં ઘઉં જેવી ખેત ઉપજના ઢગલા હતા તેને વરસાદ અને કરાથી નુકશાન થયુ છે. આજે સવાર સુધીની સ્થિતિએ ગીરમા વરસાદી વાતાવરણ ન હોવાથી કેરીનો પાક સલામત રહ્યો છે. જો વરસાદ થશે અને કરા પડશે તો કેરીને નુકશાન થશે. ખાલી ખેતરોમાં પાણી પડવાથી જમીનને ફાયદો થયો છે.

એપ્રિલના આરંભે ઉનાળો જોરશોરથી જામ્યા બાદ અચાનક ગઈકાલે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વાતાવરણ બદલાયેલ. ધોમ તાપની જગ્યાએ વાદળો ઘેરાયેલા દેખાયેલ. અમુક જગ્યાએ વરસાદ, વાવાઝોડુ અને કરા જોવા મળેલ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગયા વર્ષે નબળા ચોમાસાના કારણે ખેતરો ખાલી છે. જ્યાં ખેતરો ખાલી છે ત્યાં વાવણી પહેલાના કમોસમી વરસાદથી જમીનને ફાયદો થયો છે. જ્યાં તલી જેવા પાક ખેતરમાં ઉભા હોય ત્યાં નુકશાનીના વાવડ છે. માર્કેટયાર્ડો અને ખેતરોમાં ખુલ્લામાં પડેલી ઘઉં જેવી ખેત ઉપજોને નુકશાન થયુ છે. અમુક જગ્યાએ શાકભાજી બગડયાના અહેવાલ છે. ગીર વિસ્તારમાં કયાંય વરસાદના વાવડ નથી તેથી ગીરની કેસર કેરી સલામત છે. આ વખતે ગયા વર્ષની સરખામણીએ કેરીનો પાક ઓછો આવે તેવી ધારણા છે. રામનવમી પછી બજારમાં કેરીની આવક વધી છે. ટૂંક સમયમાં જ મોટા પ્રમાણમાં ગીરની કેરી બજારમાં ઠલવાશે તેથી ભાવ ઘટશે તેવી ધારણા છે.

(11:48 am IST)