Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ઓખા નજીક ર૦ મિટર લાંબી વ્હેલ શાર્ક માછલીનો મૃતદેહ

ઓખાઃ ગુજરાતનો ૧૬૦૦ કી.મી.નો વિશાળ દરીયા કિનારાનો ઓખા મંડળનો ૧ર૦ કી.મી. નો દરીયો માચ્છીમારોનું સ્વર્ગ ગણાય છે. અહીં અનેક જાતની માછલીઓ સાથે હજારો પ્રજાતીની દરીયાઇ જીવસૃષ્ટી જોવા મળે છે. આજરોજ ઓખા નજીક આવેલ બેટ શંખોદ્વાર ટાપુ પાસેથી શાર્કવેલ માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફીસરીઝ વૈજ્ઞાનીક ડો. જીતેશ સોલંકી તથા ફોરેસ્ટ અધીકારી કે. આર. ચુડાસમાના જણાવ્યા પ્રમાણે વહેલ શાર્કનું વૈજ્ઞાનીક નામ રીનકોડોન ટાઇપસ છે. જે સ્લો મુવિગં અને સુક્ષમ જીવાણું પર નભનારી માછલી છે. આજ સુધી સૌથી મોટી પુષ્ટિ કરેલ વ્હેલ શાર્કની લંબાઇ ૧૮.૮ મીટરની છે. વ્હેલશાર્ક મે. ર૦૦૧માં ભારતના વાઇલ્ડ લાઇફ એકટ ૧૯૭ર ની સુચિ. ૧ માં ઉમેરવામાં આવી હતી. વ્હેલશાર્ક બીજા દેશો જેવા કે અમેરીકાના દરીયામાંથી લાંબુ અંતર કાપી ગુજરાતના સૌરાષ્ટ્ર એરીયામાં બચ્ચાને જન્મ આપવા માટે આવે છે. શાર્ક સાત હજાર કી.મી.થી પણ વધારે અંતર કાપીને બચ્ચાને જન્મ આપવા માટે ગુજરાત તરફ આવે છે. ઓખા બંદર  બેટ શંખોદ્વાર આવેલી ખાડીમાં ઓખા મરીન કમાન્ડોની ટીમ પેટ્રોલીંગ કરતી હતી. ત્યારે એક વ્હેલ શાર્કનો મૃતદેહ નજરે પડતા મરીન કમાન્ડોએ ફોરેસ્ટ અધિકારીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ શાર્કના મૃતદેહ ઓખા કોસગાર્ડ કનકાઇ જેટી પર લાવવામાં આવી હતી. અહીં ફોરેસ્ટ ઓફીસર કે. આર. ચુડાસમાં, ડો. જી. કે. ડાંગર તથા તેમની ટીમે આવી પહોંચી હતી. તેમણે આ માછલીનો મૃતદેહ સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં વિશ્વ પ્રસિધ્ધ રામ કથાકાર મોરારીબાપુએ ''સેવ ધ વ્હેલશાર્ક'' અભિયાન ભાગ લઇને શાર્કને ''વ્હાલી વેલ'' નામ આપ્યું હતું. ઓખાના જીવદયા પ્રેમી હરેશભાઇ ગોકાણીએ ''વહાલી વેલ'' ને બચાવવા માચ્છીમારોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. (તસ્વીર-અહેવાલઃ ભરત બારાઇ-ઓખા)

(11:30 am IST)