Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ધ્રોલમાં બહુવિધ લોકભોગ્ય કાર્યક્રમ યોજાયો

ઘર-ઘર સૂર્યકુકર, ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ ચકાસણી અને અંધશ્રધ્ધા નિર્મુલનઃ ૯ ગામ અને ૩૧૦૦ જેટલી આમ જનતાને લાભ લીધેલ

ધ્રોલ તા. ૧૬ :.. કાન્તાગૌરી ગૌરીશંકર રાવલ ટ્રસ્ટનાં સહયોગથી એમ. ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત અને ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ગામડાની મહિલા બહેનો સૂર્ય ઉર્જા સંચાલિત સાધનોનો ઉપયોગ કરતાં થાય, બેઝિક સોલાર કૂકર જાતે બનાવતા થાય તે ઉદેશ થી 'ઘર ઘર સૂર્યકૂકર' તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બેઝિક સોલાર કૂકરની પુઠાના ખોખામાંથી બનાવટ, પંખાનાં ખોખામાંથી શાકભાજીને બાફવા માટેનાં કૂકરની બનાવટ, પાણીને ગરમ કરી શકાય તેવા કૂકરની બનાવટ તેમજ સૌરકોષ દ્વારા મોબાઇલ ચાર્જર, પંખા, ફાનસ, ટોર્ચને શરૂ કરી તેના ઉપયોગ-ફાયદાની માહિતી આપવામાં આવેલ. ગામડાની મહિલા બહેનો પોતાના રસોડામાં દરરોજ લેવાતા ખાદ્ય ખોરાકમાં રહેલ ભેળસેળ ઘેર બેઠા સરળ પરિક્ષણ દ્વારા કઇ રીતે ? ચકાસવી તેની પ્રાયોગિક તાલીમ આપતા કાર્યક્રમ 'શુધ્ધતાની પારાશીશી' નું આયોજન કરવામાં આવેલ. જેમાં ચોખ્ખા ઘી માં થતી ભેળસેળ, મરચા-મશાલામાં થતી ભેળસેળ, દૂધ-છાશમાં, મીઠાઇમાં, મધમાં થતી ભેળસેળને ઓળખવાની તાલીમ અને તેને સરળ પદાર્થો દ્વારા પરખતા શીખવાની તાલીમ આપવામાં આવી.

જામનગર જિલ્લાની આમ જનતા દોરા-ધાગા, મેલીવિદ્યા, નજર ઉતારવી જેવી અંધશ્રધ્ધાથી દુર રહે તેમજ પોતાના કુટુંબને અંધશ્રધ્ધામુકત કરતાં થાય તે ઉદેશથી 'વહેમનું ઓસડ જ્ઞાન' રાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં નાળીયેળમાંથી ચૂંદડી-ચોખા, આપો આપ અગ્નિ, લાલ હાથ થવા, કંકુપગલા જેવા પ્રયોગોનું નિદર્શન કરી તેની પાછળ છૂપાયેલ વૈજ્ઞાનિક કારણથી લોકોને વાકેફ કેન્દ્રનાં સંજય પંડયા દ્વારા કરવામાં આવ્યા. આ કાર્યક્રમો વાવબેરાજા, નાઘુના, ગુલાબનગર, નારણપુર, મોડપર, હારિપુર, ભાટીયા, રાવલસર માં યોજવામાં આવ્યા જેમાં ૯ ગામની ૩૧૦૦ આમ જનતાને શ્રી કાન્તાગૌરી રાવલ ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે લાભ  આપવામાં આવેલ.

આ પ્રકારનાં કાર્યક્રમો યોજવા ઇચ્છુકે સંસ્થાનાં (૦ર૮૯૭) રર૩૬૩૮ કે કેન્દ્રનાં સંજય પંડયા (૯૯૭૯ર ૪૧૧૦૦) પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેવું  સંસ્થાનાં સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાની યાદીમાં જણાવવામાં આવે છે.

(11:27 am IST)