Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

રાજુલા બાદ પૂ. મોરારીબાપુની મસુરીની શ્રીરામકથા રદઃ મારા હનુમાનજી દેશની રક્ષા કરશે

૧ એપ્રિલ પછી પરિસ્થિતિ વિકટ હશે તો રાજુલામાં માંડવા વીખી નાંખશુ

રાજકોટ તા. ૧૭ :.. 'કોરોના' વાયરસના કારણે રાજૂલા બાદ પુ. મોરારીબાપુએ મસુરીની શ્રીરામ કથા રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.

પૂ. મોરારીબાપુઅ જણાવ્યું કે ૧ એપ્રિલ પછી સંજોગો વિકટ હશે તો રાજૂલામાં માંડવા વિખી નાંખીશું. એક  એપ્રિલથી રાજુલામાં શ્રીરામકથા શરૂ થશે. આ કોઇ એપ્રિલ ફુલ નથી.

'કોરોના' જેવા વાયરસ સામે તકેદારી રાખજો હનુમાનજીને રખોપા સોંપીને હુ જાવ છું તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.

રાજુલા-રામપરા ગામ વચ્ચે મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. કથાનો પ્રારંભ ૧૪ માર્ચે થયો હતો. પ્રથમ દિવસ જ મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી શ્રોતાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતીની જરૂર છે. દરમિયાન રાજય સરકારે તમામ સ્કુલ, કોલેજમાં ૧પ દિવસની રજા જાહેર કરી અને મલ્ટીપ્લેકસ, મોલ પણ બંધ રાખવા પરિપત્ર જાહેર કર્યો અને ધાર્મિક સંસ્થાઓને સત્સંગ સભા, મેળાવડા ન કરવા અપીલ પણ કરી અને મોરારીબાપુએ આજે કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી જણાવ્યું કે અહીં કોઇ કોરોના વાયરસ નથી, તેની અસર પણ નથી. કોઇએ ડરવાની જરૂર પણ નથી પણ સરકાર એટલે કે રાજપીઠ દ્વારા વ્યાસપીઠને અનુરોધ થયો છે અને કોઇ દબાણ નથી, પણ આ બાબતમાં મોરારિબાપુ પહેલ નહીં કરે તો કોણ કરશે ? કથા મંડપ યથાવત રહેશે. સિકયોરીટી ચોવીસ કલાક દેખરેખ રાખશે. હું મારા હનુમાનને વિદાય નથી આપતો, એ અહીં જ બેસશે. હું એમને કહું છું કે, બધાનું ધ્યાન રાખજે. આ અસ્તિત્વની ઇચ્છા છે. કથાને માત્ર સાવચેતી માટે જ વિરામ આપ્યો છે. તમે બધા પૂરેપૂરી સાવચેતી રાખજો. ફરી તા.૧ એપ્રિલથી છ દિવસ કથા અહીં જ ગવાશે. મસુરીની કથા રદ કરી છે. મોરારિબાપુએ કહ્યું કે, મારા અન્ય કાર્યક્રમો પણ બંધ રાખ્યા છેે. કદાચ હનુમાન જયંતી ઉત્સવ બંધ રાખવાનું વિચારૃં છું.

(4:35 pm IST)