Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

જોડિયાની પ્રજા ભૂગર્ભના ગંધાતા પાણીથી ત્રાહિમામ

લક્ષ્મીપરા, મુખ્ય માર્ગ, ભાટિયા શેરી, મુખ્ય બજારોમાં ભૂગર્ભના ગોબરા પાણી ફરી વળે છે! રૂપાણી સરકાર પ્લીઝ કાંઇક કરો

જોડીયા : સાત વર્ષ પહેલા જોડીયા ખાતે દસ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાનુ નિર્માણ કરાયું હતું. આ ગટર યોજના સફળ થવાના બદલે વર્તમાનમાં લોકો માટે ત્રાસ દાયક બનતા સ્થાનીક તંત્ર માટે પડકાર સર્જાયો છે. આર્થિક રીતે ગ્રામ પંચાયત પાસે ભુગર્ભ ગટરના સંચાલન માટ નાણાના અભાવના કારણે ઠેરઠેર છલકાતી ભુગર્ભ ગટરની કુંડીના સમારકામ થઇ શકતા નથી. જેના કારણે રાહદારીઓ દુષિત પાણીનો સામનો કરી રહ્યા છે. લક્ષ્મીપરા અને જોડીયાના મુખ્ય માર્ગ ઉપરાંત ભાટીયા શેરી તથા જોડીયાની મુખ્ય બજાર પણ ભુગર્ભ ગટરના દુષિત પાણીથી ભારે ત્રસ્ત છે. પંચાયત પોતાના ખર્ચ અમુક સમય નિકાલ વ્યવસ્થા કર છે પણ ભુગર્ભ ગટરના ત્રણ પમ્પીંગ સ્ટેશનો બંધ હોવાથી શોભાના ગાંઠીયા બની ગયા છે.

હાલમાં તો ભુગર્ભ ગટર યોજનાની નિકાલ વ્યવસ્થામાં એક સાંધે અને તેર તુટે જેવી સ્થિતિ છે. શેરીઓ અને મુખ્ય માર્ગો પર ફરી વળેલ ભુગર્ભ ગટરના પાણીના નિકાલ માટે સ્થાનીક તંત્રને જિલ્લા તંત્ર પર નિર્ભર રહેવું પડે છે. સ્થાનિક પ્રજામાં અસંતોષ વધી રહ્યો છે. નિષ્ફળ નિવડેલ ભુગર્ભ ગટર યોજના બાબતે જિલ્લા તંત્ર, સાંસદ, ધારાસભ્ય, સ્થાનિક બન્ને પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિની સરકાર સમક્ષ રજૂઆત પણ સફળ થયેલ નથી. હવે તો જોડીયાની પ્રજામાં એક જ પ્રશ્ન, ભુગર્ભ ગટરના દુષિત પાણીના મહાભયાનક ત્રાસમાંથી મુકિત કયારે...? (રમેશ એચ. ટાંક, જોડીયા દ્વારા)

(11:38 am IST)