Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

દેશદેવી માં આશાપુરાજી મંદિર માતાના મઢ કચ્છ ખાતે ૨૪ મીથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : ૩૧ મીએ હોમાદિક ક્રિયા

રાજકોટ : ભુજથી ૧૦૦ કિ.મી. અંતરે આવેલ ૧૯ મી સદીનું ભવ્ય તીર્થધામ માતાના મઢ કચ્છ ખાતે ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે. આસો નવરાત્રી જેવો જ માહોલ માતાના મઢ કચ્છ ખાતે જામે છે.

તા. ૨૪ ના મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ઘટ સ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. તા. ૩૧ ના મંગળવારે ચૈત્રી સુદ સાતમના હોમાદિક ક્રિયા રાત્રે ૯ વાગ્યે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ શ્રી દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવન વિધિ કરાશવે.

આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રિતો, મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્તુતિ, શ્લોક, મંત્રો દ્વારા હવનમાં બીડુ હોમાશે. માં આશાપુરાના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી' ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકિતમય બનાવી દેવાશે.

અહીં ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીમાં સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા દર્શને આવે છે. સૌરાષ્ટ્રમાંથી પણ માઇ ભકતો માં ના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે. પદયાત્રીઓના પગરવથી કચ્છ તરફના તમામ માર્ગો ધમધમી ઉઠે છે. માર્ગોમાં પદયાત્રીઓની સેવામાં ઠેરઠેર વિનામુલ્યે ચા-પાણી, દુધ, દવા, ભોજનના કેમ્પો લાગે છે.

માતાના મઢ ખાતે નવરાત્રીમાં શ્રીફળ વધેરવાની મનાઇ હોય છે. નવરાત્રી દરમિયાન દર્શનનો સમય સવારે પ વાગ્યાથી રાત્રીના ૯ સુધી રહે છે. વચ્ચે બપોરે ૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી મંદિર બંધ રહે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકો માટે દિવસ રાત જમવા, રહેવા, ચા સહીતની સવલત નવરાત્રી દરમિયાન વિનામુલ્યે પુરી પાડવામાં આવ છે. માતાના મઢના ટ્રસ્ટીઓ દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે.

માં આશાપુરાના દર્શન કરવાથી સર્વે દુઃખોનો નાથ થાય છે. લાખો શ્રધ્ધાળુઓ માં ના દર્શન કરી વંદન કરી વિદાય લ્યે છે. ફરી માં ના નોરતા આવે તેની રાહ જુવે છે.

સંકલન : વિનોદભાઇ આર. પોપટ, મો.૯૯૭૯૯ ૦૭૨૧૮

(11:23 am IST)