Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

૧૪૦ની પડતર સામે સફેદ ડુંગળીના ભાવ તળીયે પહોંચ્યા

મહુવા યાર્ડ દ્વારા સફેદ ડુંગળી ર૦ કિલોના ૮૦ થી નીચેના ભાવે નહિ વેંચવા નિર્ણયઃ તો પણ ૬૦ની નુકશાનીઃ ભાવ ન મળે ત્યાં સુધી હરરાજી બંધ રખાશેઃ મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે કલેકટરને-કૃષિમંત્રીને જાણ કરીઃ સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવા વિચારણાઃ નિર્ણય વહેલો આવવા સંભવ નથી

રાજકોટ તા. ૧૭ :.. ડુંગળીનાં ભાવ સતત ઘટી રહ્યાં છે. આવી સ્થિતિમાં ખેડૂતોને નુકશાનથી બચાવવા માટે મહુવા યાર્ડ દ્વારા ખેડૂતોની સફેદ ડુંગળીની રૂ. ૮૦ પ્રતિ ર૦ કિલોથી નીચે હરરાજી ન કરવાનો અતિ મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગેની જાણ જિલ્લા કલેકટરને પણ કરવામાં આવી છે.

મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે સફેદ ડુંગળીની પુષ્કળ આવક છે. અને ભાવ છેલ્લા ર૦ દિવસથી રૂ. ૬પ થી ૭પ જેટલા નીચા ચાલી રહ્યાં છે, જેના સંદર્ભમાં આજે ખેડૂતો સાથે ચર્ચા કરીને એવો નિર્ણય લેવાયો છે કે ખેડૂતોએ રૂ. ૮૦ થી નીચે વેચાણ ન કરવું. ખેડૂતોની માર્કેટ યાર્ડમાં  પહોંચ રૂ. ૧૪૦ ની પડતર પડે છે, જેની સામે ખેડૂતો રૂ. ૬૦ ની નુકસાની સહન કરવા તૈયાર છે. જયાં સુધી રૂ. ૮૦ નાં મણ ખરીદનાર નહીં મળે ત્યાં સુધી હરરાજી પણ બંધ રાખવામાં આવશે. જો આ ભાવ નહીં મળે તો હરાજી અચોકકસ મુદત સુધી બંધ રાખવામાં આવશે અને સરકારને આની રજૂઆત કરવામાં આવશે.

ઘનશ્યામભાઇ પટેલે વધુમાં કહ્યું કે ફેબ્રુઆરી અંતમાં મહુવા અને ગારીયાધારનાં ધારાસભ્યને સાથે રાખીને કૃષિ મંત્રી આર. સી. ફળદુને રજૂઆત કરવામાં આવી છે. અને કૃષિ મંત્રીએ પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવા માટે વિચારણા કરી રહી છે, પરંતુ આ અંગેનો નિર્ણય એપ્રિલ પહેલા આવે તેવી સંભાવનાં નથી, પરિણામે ખેડૂતોએ પણ નીચા ભાવથી વેચાણ કરવા માટે ઉતાવળ ન કરવા મારી સલાહ છે.

(11:47 am IST)