Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ગોંડલ પાસે અકસ્માતમાં રાજકોટના મીનાબેન જસાણી સહિત બેના મોતઃ અરેરાટી

વીરપુર પગપાળા યાત્રામાં આવેલ રાજકોટના મહિલાને ઝેન ચાલકે લીફટ આપ્યા બાદ અકસ્માત નડ્યોઃ ૩ને ઈજા

ગોંડલ - રાજકોટ હાઇવે પર ગોંડલના ભરૂડી નજીક વાંધેશ્વર મહાદેવ મંદિર પાસે સાઈડમાં ઉભેલી GJ03LG 8218 ઈનોવા કાર પાછળ GJ03AB 7224 નંબરની ઝેન કાર ધડાકાભેર અથડાતા તેમાં મુસાફરી કરી રહેલ નિકિતા બેન રાજેશભાઈ ગોસ્વામી (ઉંમર વર્ષ ૧૧) (રહે ચારણ સમઢીયાળા તાલુકો જેતપુર) તેમજ મીનાબેન મનીષભાઈ જસાણી (ઉંમર વર્ષ ૫૧ રહે કાલાવડ રોડ રાજકોટ) વાળાઓને ગંભીર ઈજા થતા મોત નિપજયા હતા. જયારે કાર ચલાવી રહેલ રાજેશભાઈ રદ્યુભાઈ ગોસ્વામી, અસ્મિતાબેન પંકજભાઈ જસાણી તેમજ હીનાબેન નરેન્દ્રભાઈ મીઠીયા ને ગંભીર ઈજા થતાં પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા આ અકસ્માતના સેવાકાર્યમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરુ તેમજ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ જોડાઈ હતી. ઘટનાને પગલે તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા જમાદાર ભગીરથસિંહ સહિતનાઓ અકસ્માત સ્થળે દોડી ગયા હતા .પરમદિ' રાત્રીના રાજકોટ ગોંડલ સહિત બહોળી સંખ્યામાં પદયાત્રીઓ વીરપુર જલારામ બાપાના દર્શને પહોંચ્યા હતા જેમાં મીનાબેન, અસ્મિતાબેન અને હીનાબેન પણ જોડાયા હતા બાદમાં સવારે હાઈવે પર રાજેશભાઈ ગોસ્વામીની ઝેન માં લિફ્ટ લઈ રાજકોટ દ્યરે પરત જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માત નડયો હતો. મૃતક મીનાબેન મનીષભાઈ જસાણી પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા હતા તેમને સંતાનમાં એક દીકરો છે તેમજ તેના પતિ મનીષભાઈ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન માં સેવા બજાવી રહ્યા છે હોવાનું તેમના ભત્રીજા ચિરાગભાઈ એ જણાવ્યું હતું.જયારે નિકિતા બે બહેનોના પરિવારમા મોટી બહેન હતી તેના પિતા રાજેશભાઈ ચારણ સમઢીયાળા ગામે કરિયાણાની દુકાન ધરાવે છે જેઓને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તસ્વીરમાં પ્રથમ અકસ્માતગ્રસ્ત  બંન્ને  વાહનો અને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ નજરે પડે છે.(તસ્વીર-ભાવેશ ભોજાણી : અહેવાલ જીતેન્દ્ર આચાર્ય ગોંડલ)

(11:45 am IST)