Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

માળીયા હાટીનાઃ રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા

વૃદ્ઘાશ્રમોના સિનિયર સીટીઝનો માટે સિંગાપોર- મલેશિયા ક્રુઝની વિદેશયાત્રાનું આયોજન

 માળીયાહાટીના, તા.૧૭: રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા તેમના ચેરમેન શ્રી રિઝવાન આડતીયાની પ્રેરણાથી ગુજરાતના અલગ અલગ વૃધ્ધાશ્રમોમાંથી કુલ ૩૦ જેટલા જરૂરિયાતલક્ષી વડીલોની પસંદગી કરી તેઓને વિના મુલ્યે સિંગાપોર મલેશિયાના વિદેશયાત્રા પર આગામી તા.૨૩ ફેબ્રુથી તા.૧ લી માર્ચ ૨૦૨૦ એમ કુલ ૮ (આઠ) દિવસના પ્રવાસ પર લઈ જનાર છે.

આ પ્રવાસમાં વડીલોની સાથે ફાઉન્ડેશન દ્વારા સુરત ખાતે યોજાયેલ સમૂહલગ્નો માંથી પિતા વિહોણી દીકરીઓના ૮ (આઠ) દંપતીઓને પણ સામેલ કરેલ છે. પ્રવાસમાં જોડાયેલ તમામની જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવ્યું છે જેમ કે પાસપોર્ટ બનાવવાથી લઈ સમાન માટે બેગ આપવી, ફિઝિકલ સપોર્ટ માટે વોલિયેન્ટર્સને સાથે લેવા, તમામના ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવા, અશકત વ્યકિત માટે વહીલચેરની વ્યવસ્થા ઉપરાંત દરેકની વ્યકિતગત જરૂરિયાતો તેમના કુટુંબના સભ્યો / વૃધ્ધાશ્રમોમાંથી જાણીને નોંધવામાં આવેલ છે. સિંગાપોર મલેશિયાની હવાઈ તેમજ દરિયાઈ સફર અને વિશ્વ પ્રસિદ્ઘ જોવાલાયક સ્થળોના સુંદર સંસ્મરણો તેંમને કયારેય ભુલાશે નહી. આઠ દિવસની આ યાત્રા તેમની જિંદગીના યાદગાર દિવસો બની રહેશે.

આ પ્રવાસનો મુખ્ય હેતુ, મોટી ઉમરે સંતાનો ધંધા, રોજગાર, લગ્ન કરી દૂર જતા હોય છે ત્યારે ઘણી વખત ઉમરલાયક માં-બાપ એકલતા અનુભવે છે. અનિવાર્ય સંજોગોમાં ઘણા વડીલોએ વૃધ્ધાશ્રમોમાં આશરો લેવો પડતો હોય છે. અને પાસે નજીકના સ્નેહી-સંતાનો ન હોય તેવી સ્થિતિમાં ઘણી વખત ડિપ્રેશનમાં જતા રહે છે.

આ પ્રકારના આયોજનથી તેમને પોતાની સમકક્ષ- સમાન વિચારધારા વાળી વ્યકિતઓ સાથે હળવા મળવા આનંદની તક મળશે અને આજની યુવા પેઢી પણ સિનિયર સિટિઝનોની સમસ્યા વિષે જાગૃત થશે તેવું શ્રી રિઝવાનભાઈ આડતિયાની આ સેવા ભાવિ સંસ્થા માને છે.

(11:37 am IST)