Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

૪ મહિલાઓ દ્વારા દિકરીઓના માસિક ધર્મની તપાસ શરમજનક કૃત્ય : મહિલા આયોગ

ભુજની સહજાનંદ કોલેજની ઘટનામાં ૪૭ વિદ્યાર્થીનીઓના નિવેદન લીધા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે વિશાખા ગાઈડ લાઈનનો અમલ ન કરાવવા બદલ કચ્છ યુનિવર્સિટીને ઠપકો આપ્યો, પોલીસે સીસી ટીવીના ફૂટેજ મેળવ્યા, ટ્રસ્ટીઓએ માફી માંગતા હવે ફરિયાદના બદલે સમાધાન તરફ

ભુજ : કચ્છમાં બનેલી શરમજનક ઘટના બાદ મહિલા આયોગની ટીમે કચ્છમાં ધામા નાખ્યા છે. (તસ્વીર : વિનોદ ગાલા - ભુજ)

 ભુજ તા. ૧૭ : ભુજના સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ મહિલા કોલેજમાં દીકરીઓના માસિક ધર્મની તપાસ માટે આચાર્યા અને સ્ટાફ દ્વારા કરાયેલા કૃત્યના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલ દેસાઈ સાથેના ત્રણ સભ્યોની ટીમ ગઈકાલે ભુજ પહોંચી આવી હતી. તેમણે સહજાનંદ કોલેજની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓ સાથે બેઠક યોજી હતી.

આ ઘટનાનો ભોગ બનેલી ૬૪ વિદ્યાર્થીનીઓ પૈકી હાજર ૪૭ વિદ્યાર્થીનીઓની સાથે વાતચીત કરી ડો. રાજુલ દેસાઈએ દીકરીઓને ધરપત આપતા જણાવ્યું હતું કે, હું તમારી મોટીબેન સમાન છું, અને તમે હિંમતપૂર્વક તમારી ફરિયાદ કરો, જેનાથી આવી ઘટના દેશભરમાં પણ બીજે કયાંયે બનતી હોય તો તે અટકે, અને આ અંગે શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ કાયદાકીય જોગવાઈ લાગુ કરી શકાય.

ડો. રાજુલ દેસાઈએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સોમવારે તેઓ પોલીસ તેમ જ વહીવટીતંત્રની સાથે બેઠક યોજશે અને બે દિવસની તેમની ટીમની તપાસ અંગેનો સમગ્ર અહેવાલ રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન ડો. રેખા શર્માને મોકલવામાં આવશે. કોલેજના આચાર્યા સહિતની ચાર મહિલાઓ દ્વારા ૬૪ દીકરીઓની વોશરૂમમાં કપડાં ઉતારીને માસિક ધર્મ અંગે કરાયેલી તપાસના કૃત્યને 'રાઇટ ટુ પ્રાઇવસી એકટ'નો ભંગ ગણાવીને ડો. રાજુલ દેસાઈએ શરમજનક તેમ જ ક્રૂર કૃત્ય ગણાવ્યું હતું.

ડો. રાજુલ દેસાઈ અને ટીમે મહિલા કોલેજ તેમ જ કચ્છ યુનિવર્સિટીમાં વિશાખા ગાઈડલાઈન અનુસાર મહિલા સભ્યોની સમિતિ ન બનાવીને કાયદાનો ભંગ કરવા બદલ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયાને ઠપકો આપ્યો હતો. ગઈકાલે ગેરહાજર રહેલી અન્ય વિદ્યાર્થીનીઓને આજે બોલાવવામાં આવી છે.

દરમિયાન આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા પછી હરકતમાં આવેલા સહજાનંદ કોલેજના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીનીઓની માફી માંગતા આ મામલો હવે શાંત પડે એવું લાગી રહ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગ તેમ જ પોલીસ સમક્ષ નિવેદન આપતી વેળાએ વિદ્યાર્થીનીઓએ હવે પોતે ફરિયાદ કરવા ઇચ્છતી ન હોવાનું જણાવ્યું છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ ભુજમાં : વિદ્યાર્થીનીઓના  નિવેદન લીધા : ગુનેગારોને છોડાશે નહિ તેવો નિર્દેશ

કોલેજની ગંભીર ઘટનામાં તપાસ કરીને દીકરીઓને ન્યાય અપાશે

ભુજ તા. ૧૭ : સહજાનંદ કોલેજ વિવાદ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દિલ્લીના રાષ્ટ્રીય મહિલા આયોગની ટિમના ડો.રાજુલાબેન દેસાઈ ભુજ પહોંચ્યા હતા. ડો.રાજુલાબેન દેસાઈ સાત સભ્યોની ટિમ સાથે ભુજ આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટનાને કલંકિત ગણાવી હતી. ૨૧મી સદીમાં આ ઘટના શરમજનક હોવાનું જણાવ્યુ હતું.

ઙ્ગ તેમણે કહ્યું કે, આધુનિકતાની વાતો વચ્ચે આ પ્રકારની ઘટના આજે પણ આક્રોશિત અને આંદોલીત કરી મુકે છે. દેસાઈની ટિમ કોલેજમાં પહોંચી હતી ભોગ બનનાર છાત્રોઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભુજ કોલેજની ગંભીર ઘટનામાં તપાસ કરીને દીકરીઓને પૂરતું ન્યાય અપાશે. ઉપરાંત ગુનેગારોને છોડાશે નહિ તેવો નિર્દેશ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા અપાયો હતો. મુલાકાતને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ઉપરાંત એસઆઈટી પાસેથી તપાસની વિગત મેળવાશે.

પોલીસે સીટની રચના કરી

ભુજ : સહજાનંદ કોલેજની આ સમગ્ર ઘટનાનેઙ્ગ ગંભીર ગણીને આઈજી સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ ડીએસપી સૌરભ તોલંબિયાએ બે મહિલા સભ્યો સહિત ચાર પોલીસ અધિકારીઓની ટીમની રચના કરીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ડીવાયએસપી જે.એન. પંચાલ, મહિલા પીઆઈ પી.એચ. લગધીરકા, સર્કલ પીઆઇ એમ.બી. વસાવા અને મહિલા પીએસઆઇ અર્ચના રાવલ દ્વારા સહજાનંદ મહિલા કોલેજના સીસી ટીવી ના ફૂટેજ કબજે કરાયા છે. તેમ જ વિદ્યાર્થીનીઓ પાસેથી આચાર્યા તેમ જ સંચાલકો દ્વારા લખવાયેલ કાગળ અંગે તપાસ શરૂ કરાઇ છે.  ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આચાર્યા રીટાબેન રાણીગા, કો ઓર્ડીનેટર અનિતાબેન, પટાવાળા નયનાબેન, હોસ્ટેલ સુપ્રી. રમીલાબેન સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. જોકે, વિદ્યાર્થીનીઓ તેમ જ વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ અંગે અવઢવ કરાતાં ડીએસપી સૌરભ તોલંબિયાએ કન્ટ્રોલ આદેશ આપીને ભુજ એ ડીવી. પીઆઇ બારોટને ફરિયાદ દાખલ કરવા સૂચના આપી હતી. દરમ્યાન ફરિયાદ દાખલ થયા બાદ તપાસનીશ પીઆઇ બારોટ રજા ઉપર ઉતરી ગયા હતા. તો તપાસ મહિલા પીએસઆઇ લગધીરકાને સોંપાઈ હતી પણ તેઓ બંદોબસ્ત માટે બનાસકાંઠા નીકળી ગયા હતા. એટલે, તપાસ ભુજ બી ડીવી. પીઆઇ ખાંટ ને સોપાઈ હતી. જોકે, આ બધી કાર્યવાહી બાદ આઈજી સુભાષ ત્રિવેદીની સુચનાને પગલે ડીએસપી સૌરભ તોલંબિયાએ સીટની રચના કરી હતી.

(11:03 am IST)