Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સેશન્સ કોર્ટ જામનગર ખાતે વલ્નરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનો શુભારંભ

જામનગરઃ જિલ્લા અને સેશન્સ કોર્ટ જામનગર ખાતે વલ્નરેબલ વિટનેસ ડિપોઝીશન સેન્ટરનો જિલ્લા મુખ્ય ન્યાયાધીશશ્રી મુલ ચંદ ત્યાગીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં થતાં સગીરો અને બાળકો પરના ગંભીર ગુનાને ધ્યાને લઇ સેન્ટરમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સગીર કે બાળક જુબાની આપતા સમયે આરોપીથી ડરી કે ગભરાઇને જુબાની આપવામાં તકલીફ ન અનુભવે તે માટે સાક્ષી કે વિકટીમની જુબાની માટેનો અલાયદો ખંડ, આરોપી માટે અલાયદો ખંડ, વેઇટીંગ રૂમ, પેન્ટ્રી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેન્ટર ખાતે સુવિધાયુકત તેમજ સહજ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તકે પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ અને એડિશનલ જિલ્લા જજ શ્રી પંકજ સી. રાવલ દ્વારા મોક પ્રોસિડિંગ કરી સેન્ટર ખાતે થનાર કામગીરીનો અન્યોને ખ્યાલ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, આઇ.એ.એસ.શ્રી સ્નેહલબેન, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી વસ્તાણી, બાર એસોસીએશનના પ્રમુખશ્રી બી.એસ સુવા, કોર્ટના જજશ્રીઓ, વકીલો,અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(10:08 am IST)