Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વંથલી પાસે પાંચ માસ અગાઉ

અકસ્માતમાં મૃત્યુ પામેલા જુનાગઢના યુવાનના રૂ.૧૮ લાખના દાગીના મિત્ર ગપચાવી ગયો

વંથલી પોલીસમાં ફરિયાદ, આરોપીને પણ ઇજા થયેલ

જુનાગઢ તા.૧૭: વંથલી પાસે પાંચ માસ અગાઉ ૩ વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલ જુનાગઢના યુવાનનાં રૂ.૧૮ લાખના દાગીના તેનોજ મિત્ર ઓળવી ગયો હોવાની પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી ગઇ છે.

 

જુનાગઢનો ઇશાંત સલીમભાઇ મીર (ઉ.વ.૧૯) ગત તા.૨૯ ઓગસ્ટની રાત્રે પોતાની કારમાં સાત મિત્રો સાથે જુનાગઢ તરફ આવી રહેલ ત્યારે વંથલી પાસેના મેદરડા રોડ નવાગામ ગાંઠીલા ચોકડી પાસે કાર પલ્ટી મારી ગઇ હતી.

આ અકસ્માતમાં ઇશાંત ઉપરાંત એજાજ ફિરોજભાઇ ચંદાણી (ઉ.વ.૨૫), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉ.વ.૨૦) પાયલ લાઠીયા (ઉ.વ.૨૦) અને કુંજન પ્રદીપગીરી અપારનાથી (ઉ.વ.૨૦) નામની યુવતિ સહિત પાંચ વ્યકિતના મોત થયેલ.

તેમજ જુનાગઢનો સુનીલ સોલંકી અને મન સલીમભાઇ મીરને ઇજા થઇ હતી. આ અકસ્માત વખતે મૃતક ઇશાંત મીરે સોનાનો ચેન, પેડલ સહિત રૂ.૧૮ લાખની કિંમતનો ૯૦૦ ગ્રામ સોનાના દાગીના પહેર્યા હતા.

આ ઘરેણા ઇશાંતનો મિત્ર ઇજાગ્રસ્ત  સુનીલ પ્રવીણભાઇ સોલંકીએ પોતાની પાસે રાખી લીધા હતા. આ ઘરેણા પરત કરવા ઇશાંતના પિતા સલીમભાઇ ઇબ્રાહીમભાઇ મીરે સુનીલને અનેકવખત જણાવેલ.

પરંતુ સુનીલ સોલંકીએ ઇશાનના રૂ.૧૮ લાખના દાગીના પરત નહિ કરી ઓળવી જતાં ગઇકાલે સલીમભાઇએ ફરિયાદ કરતા વંથલી પોલીસે સુનીલ સામે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:03 am IST)