Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગોંડલ પંથકમાં પશુઓનું મારણ કરીને રંજાડ બોલાવનાર ૩ સિંહણ પાંજરામાં કેદ

દિવાળી વખતથી વાસાવડ, રાવણા, મોટા દડવા, રાણસીકી, સુલ્તાનપુર પંથકમાં આંટાફેરા કરતી : ફોરેસ્ટ ખાતાએ પ કલાક જહેમત ઉઠાવી

રાજકોટ, તા. ૧૬ :  દિવાળી સમયે ગોંડલ પંથકમાં ત્રણ સિંહણ આવી ચડી હતી. સૌપ્રથમ તો ગોંડલના વાસાવડ, રાવણા, રાણસીડી, દેરડી (કુંભાજી), સુલ્તાનપુર, મોટાદડવા સહિતના ગામોમાં ધામા નાખ્યા હતા. આ ગામોમાં રસ્તે રખડતા અને વાડીએ બાંધેલા પશુઓના મારણ કર્યા હતા. બાદમાં કોટડાસાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા અને અહીંના ગામડાઓમાં પણ પશુઓના મારણ કર્યા હતા. છેલ્લા અઠવાડીયાથી ગોંડલના લુણીવાવ, સિંધાવદર વિસ્તારમા ધામા નાખી પશુઓનું મારણ કરી રહી હતી. આથી સિંહણોની રંજાડ વધતા જૂનાગઢથી ટ્રેકરની ટીમ બોલાવી હતી અને ગત રાતે ત્રણેય સિંહણને ફોરેસ્ટ ખાતાએ ૫ કલાકની જહેમત બાદ પાંજરે પૂરી હતી. ફોરેસ્ટ ખાતાએ પાંજરે પૂરેલી સિંહણોને સાસણ રવાના કરી હતી.

ઘણા વર્ષોથી દિવાળીના સમયે સિંહ પરિવારો ગોંડલ પંથકની મહેમાનગતિ માણી રહ્યા છે. આ સિલસિલો આ વર્ષે પણ બરકરાર રાખી ત્રણ સિંહણોએ દેરડીકુંભાજીથી લુણીવાવ સિંધાવદરની સીમમા આવેલી વીડીમાં ધામા નાખ્યા હતા. નાના ઉમવાડામાં ગાયનું મારણ કરતા અને ખાસ કરીને વાડી ખેતરોમાં રાતવાસો કરતા ખેડૂતોમા ભય ફેલાયો હતો. સિંહણોએ ગાય ઉપરાંત નિલગાય અને ભૂંડના પણ મારણ કર્યા હોય હરકતમાં આવેલા ફોરેસ્ટ વિભાગે સિંહણોને પકડવા દોડધામ શરૂ કરી હતી. પરંતુ વારંવાર લોકેશન બદલાતું હોય સિંહણોને પકડવા ફોરેસ્ટ વિભાગ ઉંધે માથે થયું હતું.

ફોરેસ્ટ વિભાગ દ્વારા વીડી વિસ્તારમાં પાંજરૂ મુકી સિંહણોને પાંજરામાં પૂરવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે સિંહણો ૪થી ૫ કલાક બાદ પાંજરે પૂરાઇ હતી. સિંહણોને પકડવા માટે રિંગ પાંજરા મૂકાયા હતા. આ માટે ફોરેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારી, ACF, RFO, ટ્રેકર ટીમ, વેટરનરીની ટીમ કામે લાગી હતી.

સિંહણને પકડવા માટે ફોરેસ્ટ ખાતાને ૪થી ૫ કલાકની મહેનત કરવી પડી હતી.

સિંહણને પકડવા માટે ફોરેસ્ટ ખાતાને ૪થી ૫ કલાકની મહેનત કરવી પડી હતી.

દરમિયાન સાસણથી દોડી આવેલી ટ્રેકરની ટીમ દ્વારા વીડીમાં પાંજરૂ ગોઠવતા ગત રાત્રિના ત્રણેય સિંહણો પાંજરે પૂરાઇ જતા સાસણ રવાના કરાઇ હતી. સિંહણો પકડાઇ ગયાની જાણ થતા ગોંડલ પંથકના ખેડૂતો, ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગે રાહત અનુભવી છે. આ સિંહણો ગોંડલથી જસદણ પંથકના વીરનગર ગામ સુધી પણ પહોંચી હતી. પરંતુ બાદમાં ફરી ગોંડલ પંથકમાં જતી રહી હતી.

(3:54 pm IST)